Tue Jan 27 2026

Logo

White Logo

સોશિયલ મીડિયા પર કેમ અચાનક વાઈરલ થઈ રહ્યું છે પેંગ્વિન? જાણો ૧૯ વર્ષ જૂના આ વીડિયોની હકીકત...

5 hours ago
Author: Darshna Visaria
Video

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાઈરલ થતાં હોય છે. જો તમે પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ હશો તો તમારી ફીડ પર પણ એક પેંગ્વિનનો વીડિયો તો આવ્યો જ હશે. આ વીડિયોમાં એક પેંગ્વિન પોતાના વિશાળ ગ્રુપને છોડીને એક અજાણ્યા અને એકલવાયા રસ્તા પર પહાડો તરફ ચાલવા લાગે છે. પરંતુ શું તમને ખબર છે કે ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહેલું આ પેંગ્વિન કોણ છે અને તે અચાનક કેમ વાઈરલ થઈ રહ્યો છે?

હાલમાં સોશિયલ મીડિયા પર નિહિલિસ્ટ પેંગ્વિન (Nihilist Penguin) તરીકે ઓળખાતો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો 2026નો સૌથી મોટો સેન્સેશનલ વીડિયો બની ગયો છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હકીકતમાં તો આ ક્લિપ 19 વર્ષ જૂની એટલે કે 2007માં આવેલી એક ડોક્યુમેન્ટ્રી 'એનકાઉન્ટર્સ એટ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ' (Encounters at the End of the World)માંથી લેવામાં આવી છે. 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં એક પેંગ્વિન જે રીતે પોતાના સાથીઓને છોડીને પહાડો તરફ ચાલવા લાગે છે, ઠોકર ખાય છે અને ફરી ઊભું થઈને આગળ વધે છે. લોકો પેંગ્વિનના આ વર્તનને બર્નઆઉટ કે પછી જીવનના ખાલીપા સાથે જોડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ફિલોસોફિકલ વીડિયો તરીકે જોઈ રહ્યા છે. કેટલાક વીડિયોમાં તો જાણે આ પેંગ્વિને દુનિયાના નિયમોથી હારીને પોતાનો અલગ રસ્તો પસંદ કર્યો હોય એવું ચિતરવામાં આવી છીએ. પરંતુ હકીકત શું છે એ વિશે આજે આપણે અહીં વાત કરીશું. 

વાત કરીએ વૈજ્ઞાનિકો અને વાઈલ્ડલાઈફ એક્સપર્ટ્સ આ ઘટનાને ભાવનાત્મક દ્રષ્ટિએ નથી જોતા. તેમના મતે આ એક બાયોલોજિકલ કે ન્યુરોલોજિકલ ડિસઓર્ડરને કારણે થયું હોઈ શકે છે. વૈજ્ઞાનિકોના મતે પેંગ્વિનનું આવું વર્તન કોઈ માનસિક નિરાશાને કારણે નહીં, પરંતુ મગજને લગતી કોઈ બીમારી અથવા ન્યુરોલોજીકલ ડિસઓર્ડરને કારણે હોઈ શકે છે. 

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઘણી વખત એવું બને છે કે કોઈ બીમારીને કારણે પેંગ્વિન પોતાની દિશાનું ભાન સંપૂર્ણપણે ગુમાવી બેસે છે અને પોતાના જૂથથી અલગ થઈને કોઈ અજાણી અને અલગ જ દિશામાં ચાલવા લાગે છે. કમનસીબે, આવા કિસ્સાઓમાં પેંગ્વિનનું ટકી રહેવું કે સર્વાઈવલ ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા આ વીડિયો પર દુનિયાભરમાં હજારો મીમ્સ બની ચૂક્યા છે. લોકો પોતાની વ્યસ્ત અને તણાવપૂર્ણ જિંદગીને આ પેંગ્વિન સાથે સરખાવી રહ્યા છે. જોકે, વૈજ્ઞાનિક રીતે આ એક પક્ષીની લાચારીનું દ્રશ્ય છે, પરંતુ ઇન્ટરનેટની દુનિયામાં તે સ્વતંત્રતા અને પોતાનો અલગ રસ્તો કંડારવાનું પ્રતીક બની ગયું છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...