Tue Jan 27 2026

Logo

White Logo

ઠાકોર સમાજના સંમેલનમાં અલ્પેશ અને ગેનીબેને શું કરી ટકોર?

17 hours ago
Author: Mayur Patel
Video

ગાંધીનગરઃ શહેરમાં રામકથા મેદાનમાં મધરાતે ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું. હાડ થીજવતી ઠંડીમાં આ સંમેલનમાં રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શિક્ષણ, રોજગાર, સ્વાભિમાન, વ્યસનમુક્તિ પર યોજાયેલા સંમેલનમાં ઠાકોર સમાજે પોતાનું બંધારણ બનાવ્યું હોવાનું જાહેર કરી તેને પાળવાની પ્રતિજ્ઞા લીધી હતી. સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા આગેવાનો દ્વારા વિશેષ અપીલ કરાઈ હતી.

સમાજના યુવાનોએ IAS, IPS જેવા સપના જોવા જોઈએ: ગેનીબેન

બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સંબોધનમાં કહ્યું,  વ્યસન, નિરક્ષરતા અને અંધશ્રદ્ધા સામે લડવાનો સંકલ્પ આજે કરવાની જરૂર છે. આ પરિબળો સમાજને આગળ વધતાં અટકાવે છે તે સૌ જાણે છે. તેમણે ઉમેર્યું કે, અન્યાય સહન કરવા છતાં સમાજે સતત સંઘર્ષ કર્યો છે.  માંગ પ્રમાણે શિક્ષણ ન મળશે તો હોદ્દા પ્રમાણે નોકરી નહીં મળે. માત્ર પટાવાળા કે સિક્યુરિટીની નોકરીથી આગળ વધવું પડશે. હવે સમાજના યુવાનોએ IAS, IPS જેવા સપના જોવા જોઈએ. તેમણે જણાવ્યું કે, આજે સમગ્ર સમાજે એકતાના દર્શન કરાવ્યા છે.

ધોરણ-12 પહેલાં કોઈ લગ્ન નહીં કરાવીએઃ ગેનીબેન ઠાકોર

કડકડતી ઠંડી અંગે ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, તમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ નહીં થવા દઈએ. બાળલગ્ન અંગે કડક સંદેશ આપતાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, બાળ લગ્નથી તંદુરસ્ત પેઢીનું નિર્માણ થતું નથી. સંકલ્પ કરીએ કે ધોરણ-12 પહેલાં કોઈ લગ્ન નહીં કરાવીએ. તેમણે હોસ્ટેલ અને સમાજ ભવનના નિર્માણ માટે સામૂહિક સંકલ્પ કરવાની અપીલ કરી હતી. દીકરી કે દીકરો ભણેલા હશે તો સ્વમાનભેર જીવન જીવી શકશે તેમ તેમણે ઉમેર્યું હતું. ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓએ સામાજિક બંધારણ બનાવ્યું હોવાનું જણાવતાં તેમણે આ પ્રકારનું બંધારણ સમગ્ર ગુજરાતમાં વિસ્તાર પ્રમાણે બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અંતમાં તેમણે એક સમાજ, એક રિવાજ – શ્રેષ્ઠ રિવાજ માટે એક થજો નો નારો આપ્યો હતો.

વ્યસનમુક્તિની વાત કરતાં લોકો હસતા હતાઃ અલ્પેશ ઠાકોર

ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું,  રાત્રે 3 વાગ્યે સંમેલન બોલાવવામાં આવ્યું હોવાથી અનેક શંકા-કુશંકાઓ ઊભી થઈ હતી, પરંતુ હું વર્ષોથી આ સમાજ વચ્ચે ફરી રહ્યો છું અને રાજ્યના તમામ વિસ્તારોમાં ફર્યા પછી જોયું છે કે અલ્પેશ ઠાકોર રાતોરાત નથી દેખાયો. ગુજરાતમાં ઠાકોર સમાજનું સંગઠન સ્થાપના કરીને બનાસકાંઠાના ઠાકોરોથી લઈને અમદાવાદના અલ્પેશ સુધી સૌને ઓળખાવ્યા છે. સમાજને એક કરવા માટે 15 વર્ષથી સતત પ્રયાસ કર્યા છે. 26 જાન્યુઆરી, 2016ના રોજ વ્યસનમુક્તિની વાત કરતાં લોકો હસતા હતા, પરંતુ અમે વ્યસનમુક્તિની વિચારધારા મૂકી હતી. આજે ઠાકોર સમાજના યુવાનોએ મારી વાત ઘરે-ઘરે પહોંચાડી છે અને રાજ્યના ગામડાઓમાં 90થી 95 ટકા લોકો વ્યસનમુક્ત થયા છે. જો વર્ષો પહેલાં વ્યસનમુક્તિ થઈ હોત તો આજે અડધી જમીન ઠાકોર સમાજની હોત. વ્યસનમુક્તિની સફળતા સ્પષ્ટ જોવા મળી રહી છે.

2036માં સમાજની દીકરી SP કે કલેક્ટર બનીને અહીં ભાષણ કરશેઃ અલ્પેશ ઠાકોર

હું રાજનીતિમાં કંઈ આપી શકું તેમ નહીં હોય તો રાજનીતિ છોડી દઈશ. આવનારા સમયમાં વધુ 8 ભવનોનું નિર્માણ કરીશું. 2036માં સમાજની દીકરી SP કે કલેક્ટર બનીને અહીં ભાષણ કરશે. દેશના ઇતિહાસમાં આ ત્રીજી રાત્રી સભા છે. હું વિવેકી છું પણ ડરપોક નથી.  ગુજરાતના ઠાકોર સમાજે પોતાની લડાઈ જાતે લડવી પડશે. સરકારે બજાર કરતાં 50 ટકા ભાવે જમીન આપી છે, જે સમાજ માટે મોંઘી પડે છે છતાં લઈ લીધી છે. સરસ્વતી ધામમાં 2 હજાર દીકરા-દીકરીઓ રહી શકશે અને બાળકોના ભવિષ્યનું ઘડતર થશે. સમાજે તાલુકા અને જિલ્લાઓમાં સંસ્થાઓ બનાવવી પડશે. દરેક જગ્યાએ શિક્ષણ ધામ અને ભવનો બની ગયા છે. લગ્નોમાં ખોટા ખર્ચા માટે જમીનો વેચાય નહીં અને સમાજના નાગરિકોએ જમીન સાચવી રાખવી પડશે.