મહારાષ્ટ્ર સરકારની અત્યંત લોકપ્રિય 'મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજના' ના લાભાર્થીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. યોજનાના હપ્તા મળવામાં કે ઈ-કેવાયસી (e-KYC) પ્રક્રિયામાં આવી રહેલી મુશ્કેલીઓને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા હવે 181 હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. આ સુવિધાને કારણે હવે મહિલાઓને સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે અને ઘરબેઠા માત્ર એક ફોન કોલથી સમસ્યાનું સમાધાન મળશે.
મહિલા અને બાળ વિકાસ પ્રધાન અદિતિ તટકરેએ આ નવી પહેલની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ઈ-કેવાયસી દરમિયાન થયેલી ટેકનિકલ ભૂલો અથવા ખોટા વિકલ્પોની પસંદગીને કારણે ઘણી પાત્ર મહિલાઓના હપ્તા અસ્થાયી રૂપે અટકી ગયા હતા. વિભાગને મળેલી આવી અનેક ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
સરકાર દ્વારા મહિલાઓની આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે શરૂ કરવામાં આવેલી 181 હેલ્પ લાઈન નંબર પર તહેનાત કોલ ઓપરેટરોને ખાસ તાલીમ આપવામાં આવી છે જેથી તેઓ મહિલાઓના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવી શકે.
આ હેલ્પલાઇન નંબર દ્વારા મહિલાઓ નીચે મુજબની સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકશે-
⦁ ઈ-કેવાયસી સંબંધિત મુશ્કેલીઓ: કેવાયસી પ્રક્રિયામાં આવતી અડચણો અથવા ભૂલો સુધારવા માટે માર્ગદર્શન.
⦁ હપ્તા ન મળવા અંગેની ફરિયાદ: જો નિયમિત હપ્તા બંધ થઈ ગયા હોય અથવા હજુ સુધી એકપણ હપ્તો ન મળ્યો હોય તો તેની તપાસ.
⦁ અરજીની સ્થિતિ (Application Status): મહિલાઓ પોતાની અરજી મંજૂર થઈ છે કે કેમ તેની વર્તમાન સ્થિતિ જાણી શકશે.
⦁ દસ્તાવેજ અને બેંક ખાતાની ભૂલો: આધાર લિંકિંગ અથવા બેંક ખાતામાં નામની ભૂલોને કારણે અટકતા પેમેન્ટ અંગેની મદદ.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારનું આ પગલું મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાની સાથે સાથે વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવાની દિશામાં એક મહત્વનું સાબિત થશે.