અમદાવાદ: ચાંદખેડામાં આવેલી એક મોટી ઈ-કોમર્સ કંપનીના વેરહાઉસમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. ટીપી-44 વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની સામે આવેલા આ ગોડાઉનમાં આગ લાગતા આસપાસના રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખા વેરહાઉસને લપેટમાં લઈ લીધું હતું. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે.
આગની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 11 થી વધુ ફાયર ટેન્ડરો અને 35 જેટલા જવાને સતત કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની તીવ્રતાને કારણે વેરહાઉસના શેડનો કેટલોક હિસ્સો ધરાશાયી થઈ ગયો હતો. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, કારણ કે કાટમાળ નીચે હજુ પણ આગ હોવાની શક્યતા છે.
ફાયર સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વેરહાઉસનો ઉપયોગ વિવિધ ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા વિતરણ કેન્દ્ર તરીકે કરવામાં આવતો હતો. અહીં ઝેપ્ટો અને ઇન્સ્ટાકાર્ટ જેવી કંપનીઓનો મોટા પ્રમાણમાં સ્ટોક રાખવામાં આવ્યો હતો. આગને કારણે ગોડાઉનમાં રાખેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. માલસામાન અને ફર્નિચર સંપૂર્ણપણે નાશ પામ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ફાયર વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળની તપાસ કરતા વેરહાઉસના પાછળના ભાગમાં ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી કે અન્ય કોઈ કારણસર, તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં વેરહાઉસના માલિક અને ઓપરેટરને પૂછપરછ માટે બોલાવવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.