આજના આધુનિક યુગમાં રાત્રે મોડા સુધી જાગવાની આદત સામાન્ય બની ગઈ છે. મોબાઈલ, વેબ સિરીઝ કે ઓફિસના કામને કારણે લોકો મોડી રાત સુધી જાગતા હોય છે. સ્વાભાવિક છે કે મોડે સુધી જાગવાથી રાત્રે 12 કે 1 વાગ્યે ફરીથી ભૂખ લાગે છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો મેગી, ચિપ્સ કે જંક ફૂડ ખાઈ લેતા હોય છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. લાંબા ગાળે આ આદત પાચનતંત્ર અને ઊંઘની ગુણવત્તાને બગાડી શકે છે.
જો ક્યારેક મોડી રાત્રે અસહ્ય ભૂખ લાગે અને તેના કારણે ઊંઘ ન આવતી હોય, તો ભારે ખોરાક લેવાને બદલે હળવી વસ્તુઓ ખાવી જોઈએ. હેલ્થ એક્સપર્ટ્સ મુજબ, રાતના સમયમાં ખાવામાં માટે મખાના એ શ્રેષ્ઠ વિકલ્પ છે. મખાના લો-કેલરી હોવાની સાથે પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે પેટને જલ્દી ભરી દે છે અને પાચનમાં પણ હળવા રહે છે. તેનાથી ગટ હેલ્થ (પાચન શક્તિ) પર કોઈ નકારાત્મક અસર પડતી નથી.
રાત્રિના સમયે ડ્રાય ફ્રૂટ્સ જેમ કે બદામ અથવા અખરોટનું મર્યાદિત માત્રામાં સેવન કરી શકાય છે. તે પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ પૂરા પાડે છે. આ સિવાય જો થોડો વધુ ખોરાક લેવો હોય તો દલિયા કે ઓટ્સ ખાઈ શકાય છે. ઓટ્સમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને તે 'લાઈટ વેઈટ' હોવાથી રાત્રે ખાવા માટે સુરક્ષિત માનવામાં આવે છે. આ ઉપરાંત કદ્દુના બીજ (Pumpkin seeds) પણ પોષણ માટે સારો વિકલ્પ છે.
યાદ રાખો કે રોજ રાત્રે 12 વાગ્યે ખાવાની આદત તમારા શરીર માટે નુકસાનકારક છે. તેનાથી સ્થૂળતા, એસિડિટી અને અનિદ્રા જેવી સમસ્યાઓ થઈ શકે છે. સ્વસ્થ રહેવા માટે આદર્શ નિયમ એ છે કે રાત્રિનું ભોજન સાંજે 7 થી 8 વાગ્યા સુધીમાં કરી લેવું જોઈએ અને રાત્રે 10 વાગ્યા સુધીમાં સૂઈ જવાની આદત પાડવી જોઈએ. યોગ્ય સમયે ભોજન લેવાથી શરીરને ખોરાક પચાવવાનો પૂરતો સમય મળે છે.
ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય જાણકારી માટે છે. કોઈપણ આહારમાં ફેરફાર કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.