નરેશ શાહ
‘હમ લોગ મિડલ ક્લાસ નહીં, મિડલ ફિંગર ક્લાસ હૈ!’
‘આ અમીરોએ બનાવેલી સિસ્ટમ છે કે જેમાં ગરીબ જિંદગીભર વ્યાજ ભરતો રહે છે અને એ (અમીર) વ્યાજ ખાતો રહે છે...’
‘પૈસાથી ખુશી મળતી નથી... આ ડાયલોગ માત્ર એ લોકો જ માર્યા કરે છે, જેની પાસે પૈસા છે જ નહીં!’
‘સબ કે અંદર એક ચોર હૈ, સીર્ફ ચાન્સ કે લીએ વેઈટ કરતાં હૈ!’
‘જબ નીચે આગ નહીં લગતી, તબ તક ઈન્સાન રોકેટ નહીં બન પાતા હૈ!’
આ સંવાદોના અન્ડર કરંટમાંથી ડિઝાઈન થયેલી વાર્તા એટલે પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થયેલી સાડા સાત કલાક લાંબી ‘ફર્ઝી’ વેબ સિરીઝ. પાયાની જરૂરિયાતોનો અભાવ માણસને ક્રાઈમ કરવા ઉશ્કેરતો હોય છે, એવી માન્યતા ભલે દૃઢ હોય પણ પૂર્ણ સચ્ચાઈ છે કે ખોખલી મહત્ત્વાકાંક્ષા કે ઊંચે ઊડવાની ઉતાવળ ય માણસને ક્રાઈમની લપસણી સપાટી પર મૂકી દેતી હોય છે અને શાહિદ કપૂર-વિજય સેતુપતિ - કે. કે. મેમન - અમોલ પાલેકર તેમ જ ઝાકિર હુસૈન જેવા તગડા અભિનેતાઓ સાથેની ‘ફર્ઝી’ વેબસિરીઝ આ જ ફિલોસોફી પર આધારિત છે.
એક ક્રિમિનલ પિતાનો ટીનએજ પુત્ર સિદ્ધાંતવાદી પત્રકાર-નાના પાસે ઉછરીને મોટો થાય છે. નાના તેને એક ઉત્તમ ચિત્રકાર-પેઈન્ટર બનાવવાની તાલીમ આપે છે ત્યારે તેને સપનામાં પણ ખ્યાલ નથી કે પૌત્ર સન્ની (શાહિદ કપૂર) પોતાની આ સુપર આર્ટનો કેવો બેતુકો ઉપયોગ કરવાનો છે. આજકાલ ‘ધૂરધંર’ ફિલ્મે ધમાલ બોલાવી છે અને આ ધમધમાટ આગામી માર્ચ મહિના પછી પણ ચાલતો રહેવાનો છે. આ ‘ધૂરંધર’ ફિલ્મના પ્રથમ ભાગમાં પાકિસ્તાનમાં ટ્રેઝરી લેવલ પર છપાતાં ભારતીય ચલણનો અછડતો ઉલ્લેખ પણ છે.
ફર્ઝી વેબ સિરીઝમાં નકલી નોટની જ વાત છે પણ એ ભારતના પરિપેક્ષમાં છે. વિશ્ર્વવિખ્યાત ચિત્રોની નકલ (ફર્સ્ટ કોપી) બનાવતાં-બનાવતાં ‘ફર્ઝી’નો સન્ની પાંચસો રૂપિયાની નકલી નોટ બનાવે છે અને અંડરવર્લ્ડમાં ‘આર્ટિસ્ટ’ તરીકે જાણીતો થઈ ‘પાંચમાં પૂજાવા’ લાગે છે. તેની સાથે મિત્ર ફિરોઝ (ભુવન અરોરા) પણ રેકેટમાં સામેલ છે. સામા પક્ષે વિદેશમાં રહીને નકલી નોટ બનાવીને ભારતમાં ઘુસાડતાં મનસુર દલાલ (કે. કે. મેનન)ની પાછળ પડેલો સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમનો ઈન્સ્પેક્ટર માઈકલ (વિજય સેતુપતિ) છે.
માઈકલને તો મનસૂર દલાલ જેવા મગરમચ્છને પકડવામાં દિલચસ્પી છે, પણ એક ક્રોસ રોડ પર તેનો ભેટો અને અથડામણ પરફેક્ટ નકલી નોટ બનાવતા ‘આર્ટિસ્ટ’ સાથે ય થવાનો છે, એ આપણે જાણીએ છીએ છતાં સાડા સાત કલાકની વેબ સિરીઝ તમે રાત ઉજાગરા કરીને પૂરી કરો છો, કારણ કે... હિન્દી વેબ સિરીઝમાં આટલું બારિક રિસર્ચ, શાર્પ સ્ટોરી ટેલિંગ, દિલધડક ટ્વિસ્ટ અને ક્લાસિક પાત્રલેખન-અભિનયની જુગલબંદી ભાગ્યે જ થતી હોય છે.
‘આર્ટિસ્ટ’ (શાહિદ કપૂર) નકલી પાંચસોની નોટ બનાવે એ પહેલાં ઓરિજિનલ ચલણની બારીકાઈ તેમજ વિશિષ્ટતા દર્શાવવામાં આવી છે, એ ખરેખર લાજવાબ છે. એક ડાયલોગ પણ છે કે- ‘લોગ જીસ કે (પૈસા-રૂપિયા) પીછે પાગલ હૈ, ઉસે કભી ધ્યાન સે દેખતે ભી નહીં!’
‘ફેમિલી મેન’ જેવી એકદમ સફળ સિરીઝની ત્રણ સિઝન આપનારી ડિરેક્ટર જોડી રાજ (નિદિમોરું) અને ડીકે (ક્રિષ્ના) એ ‘ફર્ઝી’માં પણ કમાલ કરી છે, કારણ કે તેમનું પેપર વર્ક (રાજ-ડી. કે. ઉપરાંત રાઘવ દત્ત, સુમન કુમાર, સીતા મેનન) એકદમ જબ્બરદસ્ત છે. વેબ સિરીઝમાં સંશોધકનો સ્ટડી, ક્રિમીનલનું રિસર્ચ, માનવીય કુંઠા, મુફલિસનો આક્રોશ તેમજ નિયતિના આટાપાટાનો સુભગ સમન્વય થયો છે તો રાશી ખન્ના સહિતના તમામનું કાસ્ટિંગ પરફેક્ટ છે.
જો કે સૌથી વધારે મજા તમને તામિલ એક્સેન્ટમાં હિન્દી બોલતાં વિજય સેતુપતિ આપે છે. આ બંદો હિન્દી સ્ક્રીનમાં તહેલકો મચાવશે એ લખી રાખજો. વિજય સેતુપતિ અને નેતા બનતાં ઝાકિર હુસૈન વચ્ચેનાં દૃશ્યો અને (ટેલિફોનીક) વાતચીત આ લખનારની દૃષ્ટિએ ‘ફર્ઝી’ની સૌથી મોટી હાઈલાઈટ્સ છે.
ઓટીટી પ્લેટફોર્મ પર ‘ફર્ઝી’ નામનો બ્લાસ્ટ પણ શાનદાર રીતે થયો છે એટલે 2026માં તેનો બીજો પાર્ટ પણ આવવાનો છે એટલે ‘ફર્ઝી’ વેબ સિરીઝના પ્રથમ ભાગ વિષેના આ લખાણને તમારે માત્ર ક્રેડિટ નોટ જેટલું જ મહત્ત્વ આપવું કારણ કે પિક્ચર (ફર્ઝી) અભી (તમારે જોવાનું) બાકી હૈ, મેરે દોસ્ત!