Honey health benefits: આયુર્વેદમાં મધને 'અમૃત' સમાન માનવામાં આવ્યું છે. તેના ઔષધીય ગુણો અને સ્વાસ્થ્ય લાભોને કારણે તે રસોડાના ડબ્બાથી લઈને દવાની શીશી સુધી બધે જોવા મળે છે. મધ એક કુદરતી સ્વીટનર છે. જો તમે ડાયટિંગ કરતા હોવ તો તેના પોષક તત્વો જાણવા જરૂરી છે. મધના પોષક તત્વો વિશે જાણીને તેનું સેવન કરવાથી શરીરને અનેક ફાયદા થાય છે.
હૃદયરોગનું જોખમ ઘટશે
1 ચમચી મધમાં અંદાજીત 61 કેલરી હોય છે. તેમાં 17 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. જોકે, ખાંડની સરખામણીએ મધમાં કેલરી થોડી વધુ છે (ખાંડમાં 49 કેલરી), પરંતુ મધ પ્રોસેસ્ડ ન હોવાથી તે વધુ સ્વાસ્થ્યપ્રદ છે. પોષક તત્વોની વાત કરીએ તો મધમાં ફ્લેવોનોઇડ્સ અને ફેનોલિક એસિડ જેવા તત્વો હોય છે. આ એન્ટીઑકિસડન્ટો શરીરના કોષોને નુકસાન થતા અટકાવે છે અને વધતી ઉંમરની અસરો, ટાઇપ-2 ડાયાબિટીસ તેમજ હૃદયરોગના જોખમને ઘટાડે છે.
મધ બ્લડ પ્રેશર ઘટાડવામાં અને લોહીમાં રહેલી ખરાબ ચરબી (કોલેસ્ટ્રોલ) ને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. તે હૃદયના ધબકારાને સંતુલિત રાખે છે અને હૃદયને ઓક્સિડેટીવ સ્ટ્રેસથી બચાવે છે. જોકે મધ બ્લડ સુગર વધારે છે, પરંતુ તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ મેટાબોલિક સિન્ડ્રોમ સામે રક્ષણ આપે છે. તે 'એડિપોનેક્ટીન' હોર્મોન વધારે છે, જે શરીરમાં બળતરા ઘટાડે છે.
નાના બાળકોને ન આપવું જોઈએ મધ
સ્વાદે ગળ્યું મધ કુદરતી કફ સિરપ તરીકે કામ કરે છે. બાળકોની ખાંસી મટાડવામાં તે સામાન્ય દવાઓ (જેમ કે ડિફેનહાઇડ્રેમાઇન) કરતા પણ વધુ અસરકારક સાબિત થયું છે. જોકે, 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ક્યારેય મધ ન આપવું જોઈએ, કારણ કે તે તેમના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આ સિવાય મધમાં એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણો હોય છે. ચામડી પર દાઝ્યાના નિશાન હોય કે મોંમાં પડેલા ચાંદા, મધ લગાવવાથી ઝડપથી રૂઝ આવે છે.