અમદાવાદ: શહેર અને ગ્રામ્ય પંથકમાં કોપર તથા એલ્યુમિનિયમ વાયર ચોરી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. આ ટોળકી મોબાઈલ ટાવરો, વીજ લાઈનો અને સરકારી આવાસ યોજનાઓને નિશાન બનાવતી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે અનેક આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક બજારમાં કોપર (તાંબા)ના ભાવમાં થયેલા તોતિંગ વધારાને પગલે અમદાવાદ શહેર અને ગ્રામ્ય પંથકમાં કોપર તથા એલ્યુમિનિયમ વાયર ચોરી કરતી ટોળકીઓ સક્રિય થઈ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમે અસલાલી અને કાણભા વિસ્તારમાં મોબાઈલ ટાવરમાંથી કેબલ ચોરતી ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે. PSI જે.એમ. પટેલની ટીમે વિકાસ યોગી, પપ્પુનાથ યોગી, અભિષેક બારી અને જગદીશ માલીની ધરપકડ કરી કુલ રૂ. 3.80 લાખની મત્તા જપ્ત કરી છે. ચોંકાવનારી વિગત એ છે કે પકડાયેલા આરોપીઓ પૈકી બે શખસો મોબાઈલ ટાવરના ટેકનિશિયન હોવાથી તેઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે જાણકાર હતા, જ્યારે એક આરોપી ભંગારનો વેપારી હતો.
જ્યારે બીજી બાજુ વિરમગામ, માંડલ અને ડેટ્રોજ વિસ્તારમાં ખેડૂતો અને વીજ કંપની માટે માથાનો દુખાવો બની હતી. DySP તપન દોડિયા અને LCBની ટીમે ભગવાન સિંહ ઉર્ફે રાજુ રાજપૂત સહિત ચાર શખસોને રૂ. 7.86 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા છે. તેમની પાસેથી અંદાજે એક ટન જેટલો એલ્યુમિનિયમ વાયર મળી આવ્યો છે. આ ટોળકી સરકારી મિલકતને નુકસાન પહોંચાડી વીજ લાઈનો કાપી જતી હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાતો હતો.
માત્ર ગ્રામ્ય જ નહીં, પણ શહેરના સોલા વિસ્તારમાં આવેલી વડાપ્રધાન આવાસ યોજનાની સાઈટને પણ તસ્કરોએ નિશાન બનાવી હતી. સોલા પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને નારણજી ઠાકોર, સંજય ઠાકોર અને ભાવેશ મકવાણા નામના ત્રણ શખસોને રૂ. 1.80 લાખની મત્તા સાથે ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગેંગ રાત્રિના સમયે ટેમ્પો કે બાઈક લઈને નીકળતી અને ચોરેલું કોપર બજારમાં ઉંચા ભાવે વેચી રોકડી કરી લેતી હતી.