Tue Jan 27 2026

Logo

White Logo

મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે વાવ-થરાદમાં જિલ્લા સેવા સદન અને જીઆઈડીસીનું ભૂમિ પૂજન કર્યું...

2 days ago
Author: Pooja Shah
Video

અમદાવાદઃ  મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે નવ સર્જિત વાવ-થરાદ જિલ્લાના દુધવા ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ  દ્વારા ૯૯.૨૩ એકર સરકારી જમીનમાં નિર્માણ થનારી ઔદ્યોગિક વસાહતનું તેમ જ જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન કર્યું હતું. 

 ભુપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, જી. આઈ.ડી.સી ના નિર્માણથી નવા જિલ્લાના વિકાસને વેગ મળવાની  સાથે વોકલ ફોર લોકલ નો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ધ્યેય પાર પડશે. એટલું જ નહીં, આ સરહદી જિલ્લામાં યુવાનોને વધુ રોજગારી મળે તે દિશામાં આ આગવું કદમ હોવાનું તેમણે જણાવ્યું હતું. 

 નવો રચાયેલો વાવ–થરાદ જિલ્લાનો વિકાસ પણ અન્ય વિકસિત જિલ્લાઓ સમકક્ષ ઝડપ ભેર થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. 
તેમણે ઉમેર્યું હતું કે ખેતી ઉપરાંત ઉત્પાદનના મૂલ્યવર્ધન અંગે પણ વિચાર કરવામાં આવ્યો છે, વેલ્યુએડિશન માટે નાના મોટા ઉદ્યોગો સ્થપાઈ શકે અને વોકલ ફોર લોકલ લોકલથી ગ્લોબલ  ચરિતાર્થ થાય તે માટે આવનારા દિવસોમાં આ જી આઈ ડી સી એસ્ટેટ મહત્વપૂર્ણ બનશે.

આ સાથે ભુપેન્દ્ર પટેલે થરાદ ખાતે અંદાજે રૂપિયા ૭૦ કરોડના ખર્ચે ૩૯ એકરના વિસ્તારમાં નિર્માણ થનારા જિલ્લા સેવા સદનનું  ભૂમિ પૂજન અને તકતી અનાવરણ સંપન્ન કર્યું હતું. 
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી તથા રાજ્યકક્ષાના પ્રધાન સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત  રહ્યા હતા. 

આ નવા જિલ્લા સેવા સદનમાં જિલ્લા કલેક્ટર કચેરી સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ૩૦ થી વધુ જિલ્લા સ્તરીય કચેરીઓ કાર્યરત કરવામાં આવશે. વાવ-થરાદ જિલ્લાના આ સેવા સદનનું નિર્માણ ગ્રીન બિલ્ડિંગના ધોરણે કરવામાં આવશે. તેમાં સોલાર રૂફ ટોપ, વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા, વિશાળ મિટિંગ હોલ, અદ્યતન લિફ્ટ તથા બેઝમેન્ટ પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.