Tue Jan 27 2026

Logo

White Logo

આ વર્ષે ક્યારે છે હોળાષ્ટક? કેમ હોળાષ્ટકમાં નથી કરવામાં આવતા શુભ કાર્યો?

3 days ago
Author: Darshana Visaria
Video

વર્ષ 2026માં ફાગણ મહિનાની શરૂઆત 2 ફેબ્રુઆરીથી થવા જઈ રહી છે. ફાગણ મહિનો એટલે ઉત્સાહ, ઉમંગ અને રંગોનો મહિનો. આ મહિનામાં મહાશિવરાત્રી અને હોળી જેવા મોટા તહેવારોની ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. જોકે, હોળીના આઠ દિવસ પહેલાનો સમય એટલે કે 'હોલાષ્ટક' હિન્દુ ધર્મમાં અત્યંત સાવધાની રાખવાનો સમય માનવામાં આવે છે.

દેશભરમાં રંગોના ઉત્સવ હોળીની ઉજવણીની તૈયારીઓ તો વસંત પંચમીથી જ શરૂ થઈ જાય છે, પરંતુ હોળી દહન પહેલાના આઠ દિવસોમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધુ હોવાથી શાસ્ત્રોમાં આ સમયગાળા દરમિયાન માંગલિક કાર્યો કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આજે આપણે આ સ્ટોરીમાં હોળાષ્ટક દરમિયાન કયા કાર્યો કરવાની મનાઈ છે એના વિશે આપણે વાત કરીશું... 

2026માં ક્યારે થશે હોળાષ્ટક? 
વાત કરીએ આ વર્ષે હોળાષ્ટકનો પ્રારંભ ક્યારે થશે, હોલિકા દહનના મુહૂર્ત અને ધુળેટી ક્યારે છે એની. મળતી માહિતી અનુસાર હોળાષ્ટ 24મી ફેબ્રુઆરી 2026 (ફાગણ સુદ આઠમ)ના શરૂ થશે અને ત્રીજી માર્ચ, 2026 હોલિકા દહન સાથે હોળાષ્ટક સંપન્ન થશે. હોલિકા દહનના સમયની વાત કરીએ તો ત્રીજી માર્ચ 2026, સાંજે 6:22 કલાકથી રાત્રે 08:50 કલાક સુધી રહેશે. જ્યારે ધૂળેટી ચોથી માર્ચ, 2026ના થશે. 

શું છે હોળાષ્ટકનું મહત્વ અને પૌરાણિક કથા?
પૌરાણિક કથા અનુસાર, અસુરરાજ હિરણ્યકશ્યપે પોતાના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ છોડાવવા માટે સતત આઠ દિવસ સુધી અસહ્ય યાતનાઓ આપી હતી. પ્રહલાદને ડરાવવા અને ધમકાવવા માટે આ આઠ દિવસોમાં રાક્ષસી શક્તિઓનો ઉપયોગ થયો હતો, જેને કારણે આ સમયગાળાને અશુભ માનવામાં આવે છે. હોળીના આઠ દિવસ પહેલા હોળીનો ડંડો પણ રોપવામાં આવે છે.

હોળાષ્ટક દરમિયાન શું ન કરવું?
આ સમયગાળા દરમિયાન ગ્રહોની સ્થિતિ ઉગ્ર હોય છે, તેથી નીચે મુજબના કાર્યો ટાળવા જોઈએ. શાસ્ત્રોમાં લગ્ન, જનોઈ, નામકરણ, ગૃહપ્રવેશ કે મુંડન જેવા 16 સંસ્કારો આ દિવસોમાં વર્જિત છે. નવું ઘર કે વાહન ખરીદવાનું ટાળવું જોઈએ. શાસ્ત્રો મુજબ નવી પરણેલી કન્યાઓએ હોલાષ્ટક દરમિયાન સાસરે રહેવાને બદલે પિયરમાં રહેવું જોઈએ. હોલાષ્ટક દરમિયાન નકારાત્મક ઉર્જા વધુ હોવાથી અજાણ્યા વ્યક્તિ પાસેથી કોઈ વસ્તુ લેવી કે ખાવી જોઈએ નહીં. કોઈ પણ પ્રકારના હવન કે યજ્ઞ કર્મો પણ આ દિવસોમાં કરવામાં આવતા નથી.

ઉજ્જૈનના બાબા મહાકાલના દરબારમાં વસંત પંચમીથી જ હોળીનો પ્રારંભ થઈ જાય છે. વસંત પંચમીથી હોળી સુધી ભગવાન મહાકાલને દરરોજ ગુલાલ અર્પણ કરવામાં આવે છે, જે ભક્તો માટે એક અદભૂત લ્હાવો હોય છે.