કોલકાતા : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય ધમાસાણ શરુ થયું છે. જેમાં રવિવારે કોલકાતાના બેહાલા વિસ્તારમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. ભાજપે આરોપ લગાવ્યો કે ટીએમસીના કાર્યકરોએ સભા સ્થળે મોટેથી સંગીત વગાડીને અને ધ્વજ લહેરાવીને તેમની સભામાં વિક્ષેપ પાડ્યો હતો.જેના કારણે સાખેર બજાર વિસ્તારમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. ત્યારબાદ ભાજપના સમર્થકો પર ટીએમસી નેતા સુદીપ પોલી દ્વારા આયોજિત કાર્યક્રમમાં તોડફોડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમજ ટીએમસી સમર્થકોએ કથિત રીતે એક કામચલાઉ સ્ટેજને આગ લગાવી દીધી જ્યાંથી ત્રિપુરાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબે આજે જાહેર સભાને સંબોધિત કરી હતી.
તૃણમૂલ કોંગ્રેસ પણ તેનો જવાબ આપશે
જયારે આગ પર કાબુ મેળવવા માટે ફાયર ફાઈટર મોકલવામાં આવ્યું હતું. બેહાલા પૂર્વ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા તૃણમૂલ ધારાસભ્ય રત્ના ચેટર્જીએ આરોપ લગાવ્યો હતો કે બેડમિન્ટન ટુર્નામેન્ટ દરમિયાન ભાજપના સમર્થકો અને ક્લબના સભ્યો સાથે ઘર્ષણ કર્યું હતું. તેમજ ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ તેમણે કહ્યું જો ભાજપ આવી યુક્તિઓનો ઉપયોગ કરશે તો તૃણમૂલ કોંગ્રેસ પણ તેનો જવાબ આપશે.
ભાજપ અને તૃણમૂલના સમર્થકોને શાંતિ જાળવવા અપીલ કરી
જયારે સ્થાનિક ભાજપ નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ બિપ્લબ કુમાર દેબની રેલી માટે ઉપયોગમાં લેવાયેલા સ્ટેજ પર આગ લગાવી હતી. જે બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની પરિવર્તન સંકલ્પ યાત્રાનો ભાગ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વિસ્તારમાં તણાવ હજુ પણ છે. અધિકારીઓએ ભાજપ અને તૃણમૂલના સમર્થકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.