ન્યુ યોર્ક: ગત વર્ષે યુએસએ ભારત પર ટેરીફ લાગુ કર્યા બાદ ભારત અને યુએસ વચ્ચે ટ્રેડ ડીલ માટે સંખ્યાબંધ બેઠકો કરવામાં આવી છે, છતાં કોઈ સફળતા મળી નથી. યુએસના એક અધિકારીએ અગાઉ એવો દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદીએ ફોન ન કરતા ડીલ અટકી પડી હતી. એવામાં અમેરિકન સેનેટરનું કથિત ઓડિયો રેકોર્ડિંગ લીક થયું છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ વન્સે ભારત-યુએસ ટ્રેડ ડીલ રોકી હતી.
એક અહેવાલ મુજબ યુએસ સેનેટર ટેડ ક્રુઝે એક ફોન કોલમાં યુએસ-ભારત ટ્રેડ ડીલને રોકી રાખવા બદલ વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝર પીટર નાવારો, ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા છે. ક્રુઝના ફોન કોલનું રેકોર્ડીંગ લીક થઇ ગયું છે.
ટેક્સાસના રિપબ્લિકન સેનેટર ટેડ ક્રુઝે સમર્થકોના જણાવ્યા મુજબ તેઓ યુએસ-ભારત ટ્રેડ ડીલ કરાવવા માટે વ્હાઇટ હાઉસ સાથે સંઘર્ષ કરી રહ્યા છે.
રિપબ્લિકન પાર્ટીમાં મતભેદો:
ક્રુઝનાં લીક થયેલા ફોન કોલ રેકોર્ડીંગમાં રિપબ્લિકન પાર્ટીમાં મતભેદો પણ ખુલીને સામે આવ્યા છે. ફોન કોલમાં ક્રુઝે એક પણ કહી રહ્યા છે કે તેમણે અને અન્ય કેટલાક રિપબ્લિકન સેનેટરોએ ગયા વર્ષે એપ્રિલમાં વિશ્વભરના દેશો પર લિબરેશન ડે ટેરિફ લાદવાથી રાષ્ટ્રપતિ ટ્રમ્પને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
ક્રુઝે જણાવ્યું કે તેમણે ટ્રમ્પને ચેતવણી આપી હતી કે ટેરિફ લાગુ કરવાથી દેશમાં વસ્તુઓની કિંમતો વધી શકે છે, જેને કારણે યુએસ નાગરીકોની બચત ઓછી થઇ શકે છે.
ક્રુઝ ટ્રમ્પને પડકારશે:
ક્રુઝે ટ્રમ્પને ચેતવણી આપી હતી કે આ નિર્ણયોને કારણે 2026 ની મિડ ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને વિપક્ષી ડેમોક્રેટ્સ સામે હાઉસ અને સેનેટ બંનેમાં હાર મળી શકે છે.
અહેવાલ મુજબ માટે ક્રુઝ 2028 માં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીના ઉમેદવાર માટે દાવો રજુ કરી શકે છે.