શ્વેતા જોષી-અંતાણી
એ દિવસે અનુશ્રીની પરફેક્ટ છબીમાં તિરાડ પડી. અફવાઓનું બજાર ગરમ થઈ ગયું. ઓહો! એટીટ્યુડ તો જુઓ. ટીચર્સે માથે ચડાવી છે તો ભોગવે. સર્વાંગ-સંપૂર્ણ આદર્શોનાં પોટલાં સમાન છોકરીએ ભરચક્ક ક્લાસમાં આવું વર્તન કર્યું! ટીચર સામે રાડ પાડીને બોલી,ના પાડવા છતાં બહાર જતી રહી અને એ પણ દરવાજો જોરથી પછાડીને? કોઈના ગળે ઊતરે એવી આ વાત નહોતી, પરંતુ બનાવ બન્યો હતો એ નક્કી.
સીસીટીવીનાં દ્રશ્યો સ્પષ્ટપણે અનુશ્રીના વર્તનની ચાડી ખાતા હતાં એટલે પ્રિન્સીપાલે નાછૂટકે એને સજા આપવી પડી. સજામાં મળ્યું ડિટેન્શન. ડિટેન્શન એટલે શનિવારે સ્કૂલમાં વહેલી છુટ્ટી પડે ત્યારે ઘેર જવાને બદલે આખો દિવસ એક રુમમાં એવા વિદ્યાર્થીઓને ભેગા કરી બેસાડવામાં આવે જેમને કોઈના કોઈ રીતે સ્કૂલમાં ગેરવર્તન કર્યું હોય. ડિટેન્શન રૂમમાં જવાનો મતલબ એ કે તમે હવે સ્કૂલના અળવીતરાં સ્ટુડન્ટ્સના લિસ્ટમાં નામ નોંધાવી ચૂક્યાં છો.
જે ક્ષણે અનુશ્રીએ ડિટેન્શન રૂમમાં પગ મુક્યો એના માથે લાગેલું ‘પરફેક્ટ ગર્લ ’નું લેબલ ઓગળી ગયું. સામે કદાચ નવું ટેગ એની રાહ જોતું ઊભું હતું. ‘ગર્લ વીથ એટિટ્યુડ’. ...આ ઘટનાને કારણે અનુશ્રીના ટીચર્સ, ફ્રેન્ડ્સ, પેરેન્ટ્સ, ક્લાસમેટ્સ બધાં ડિસ્ટર્બ થઈ ગયેલાં.
જોકે અનુશ્રી રિલેક્સ હતી. કંઈક વિચિત્ર રીતે અંદરથી એ શાંતિ અનુભવવા લાગેલી. પરફેક્ટ ગર્લનો બોજ ઉતારી ફેંકવાથી પોતે હળવી થઈ ગઈ હોય એવો અહેસાસ થઈ રહેલો. સજાના ભાગરૂપે એને માફીપત્ર લખવાનું કહેવાયું. ટૂંકમાં પોતે કરેલા વર્તનનો ખુલાસો આપવાનો હતો. અનુશ્રીએ પેન હાથમાં લીધી.
ઊંડો શ્વાસ લઈ લખવાનું શરૂ કર્યું:
‘બધાંને લાગે છે હું પિક્ચર પરફેક્ટ છું. હકીકત એ છે કે હું રોજ ડરું છું. સતત એ ભય રહે છે કે મારાથી કોઈ ચૂક ના થવી જોઈએ. કોઈ મને અસ્તવ્યસ્ત જુએ તો મારી ઈમેજનું શું? મારા નામના દાખલા દેવાતા બંધ થઈ જશે. હું કોઈ પર ધોંસ જમાવી નહીં શકું એ બધું તો ઠીક, પણ પરફેકટ હોવાની છબી મને જ વ્હાલી હતી, કારણ કે એ મને બીજાથી અલગ હોવાનો અહેસાસ કરાવી જતી.
આજ સુધી મને લાગતું આવ્યું છે કે, હું મારા આ પરફેક્ટ ગર્લના લેબલ વગર કંઈ જ નથી. જો એ પડશે તો હું પણ પડી ભાંગીશ, પરંતુ આજે કેમેસ્ટ્રી લેબમાં જે બનાવ બન્યો ત્યારે પહેલી વાર મને લાગ્યું કે પરફેક્શન મારું વ્યક્તિત્વ નથી. એ મારું શસ્ત્ર છે. મ્યાન વગરની તલવાર. આજે એના ઘા મને ખુદને વાગ્યા છે. જે રુઝાતાં વાર લાગશે. એમ અચાનક બદલાય નહીં શકે, પણ હવે હું બદલવાં માગું છું. પરાણે પરફેક્ટ નથી રહેવું મારે...’ આવું ઘણું બધું લખતી અનુશ્રીની આંખો વહેવા લાગેલી.
પૂરા બે ફુલસ્કેપ પાના લખી એણે માફીપત્ર આપ્યો, જેને શાળાના કોઈ કબાટમાં ધૂળ ખાવા મૂકી દેવામાં આવ્યો હશે. કદાચ એને ફરી ક્યારેય કોઈ વાંચશે પણ નહીં. જોકે એ દિવસે એણે જે લખ્યું એનો અર્ક એટલો જ હતો કે પરફેક્ટ રહેવાની કોશિશ ક્યારેક સૌથી મોટી સજા બની રહે છે અને જાતનો સ્વીકાર કરવો એ સૌથી મોટી આઝાદી....
સોમવારની સવારે સ્કૂલની પ્રાર્થનાસભામાં સૌથી પાછળ અનુશ્રી ઊભી હતી. મોટા પીપળાના પાન વચ્ચેથી ચળાઈને આવતો તડકો અનુશ્રીના રૂપાળા ચહેરાને વધુ ઉજાળી રહેલો. આમ તો બધું દરરોજ જેવું જ હતું- એજ શિસ્ત, કતારબદ્ધ ચહેરાઓ અને છેલ્લે ગવાતું રાષ્ટ્રગાન, પણ અનુશ્રી આજે ડિસિપ્લિન કેપ્ટન નહોતી. એનોય એને હાશકારો થયો. ભલે જાત જવાબદારીમાંથી થોડો પોરો ખાય. આજે એને ડર નહોતો કે લોકો એના વિશે શું વિચારશે.
એવામાં સ્કૂલબેલ વાગી. કલબલાટ કરતાં વિદ્યાર્થીઓની ભીડ આગળ વધી. સહુની નજર અનુશ્રીને વીંધી રહી. અનુશ્રીના પગ થંભ્યા નહીં. એ આત્મવિશ્વાસ સાથે આગળ વધી. કોરિડોરમાં સામે મળેલાં કેમેસ્ટ્રી ટીચરે હળવું સ્મિત આપ્યું. અનુશ્રી એમને કહેવા માગતી હતી કે, એ દિવસે એનો આશય ખરાબ વર્તન કરવાનો નહોતો, પણ એ ચૂપ રહી. એ પોતાનાં પુસ્તકોને સંભાળતી આગળ ચાલી. એની આંખોમાં સમજણની શાંતિ હતી. પોતાની ઈમેજનો બોજ નહોતો. એક અલગ ઓળખ હતી. અચાનક સાઈડમાં કતારબંધ ગોઠવેલાં કુંડાઓ વચ્ચે એક સહેજ નમી ગયેલી જાસૂદની ડાળ પર એનું ધ્યાન પડ્યું. એને સરખી કરવાની પ્રબળ ઈચછાને નકારી એ ક્લાસરૂમ તરફ દોડી ગઈ.
હજુ પણ અનુશ્રી ઘણી વખત વારંવાર એક ને એક વાક્ય લખે છે. ક્યારેક પેનિક પણ થઈ જાય છે. જોકે હવે એ પોઝ લેતાં, શ્વાસ લેતાં, પોતાની જાતને પૂછતાં, શોખ માટે સમય કાઢતાં, મિત્રો સાથે વાતો કરતાં, બહાર ફરવા જતાં શીખી છે. કદાચ એક કામ પરફેક્ટ ના થાય તો એને જતું કરવાનું પણ એ શીખી રહી છે. એને સમજાયું છે કે કોઈ વસ્તુ આઘી-પાછી મુકાય તો દુનિયા પડી ભાંગતી નથી. લોકો તમને જજ કરવા નવરાં નથી હોતાં. અને આમ પણ, તમે ગમે તેટલું પરફેક્ટ કામ કરીને આપો, લોકોની અપેક્ષાઓને પહોંચી નહીં શકો.
અનુશ્રીએ હવે જાત સાથે લડવાનું બંધ કર્યું છે. એ હવે ડ્રામેટિક નથી. એને ઓસિડીની બીમારી નથી. એ કોઈ ક્વોલિટી મેનેજર કે પ્રિસિઝન ક્વીન નથી. એની ટીનએજ સેલ્ફ માંડ સમજી શકી કે પોતે પરફેક્ટ થવા નહીં હ્યુમન એટલે કે, માણસ બનવા સર્જાયેલી છે. અને માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલો તો થાય, એન્ડ ધેટ્સ પરફેકટલી ફાઈન!