નીલા સંઘવી
આપણે ત્યાં ઉંમર થાય એટલે નિવૃત્ત થઈ જવાનો ટ્રેન્ડ છે. જોકે સ્ત્રીઓને એ સૌભાગ્ય મોટેભાગે પ્રાપ્ત થતું નથી. આમ છતાં કેટલીક વૃદ્ધ મહિલાઓ દીકરાની વહુ આવે એટલે બધી જ જવાબદારીઓનો ટોપલો વહુને ઓઢાડીને પોતે આરામ પર ઊતરી જાય છે. બેઠાં બેઠાં ઓર્ડર છોડે છે. તૈયાર જમવાનું-ચા-પાણી-નાસ્તો કરે છે. પુરુષો તો મોટેભાગે આમ જ કરતા હોય છે, પણ જો લાંબુ સ્વસ્થ જીવન જીવવું હોય તો આવું ના કરતા. હંમેશ પ્રવૃત્તિમય રહેજો. નાનાં-મોટા કામ કરતા રહેજો.
શરીરને મગજને કામે લગાડજો. આમ કરવાથી તન-મન બંને સ્વસ્થ રહેશે. તન-મન સ્વસ્થ હશે તો જીવન જીવવાની મજા આવશે. તમે મજામાં હશો, ખુશ હતો તો ઘરનું વાતાવરણ પણ ખુશહાલ રહેશે. સંતાનોને પણ ગમશે અને ઘરનાં નાના બાળકોને પણ મજા આવશે. આમ ઘરના વડીલ જો વ્યસ્ત - સ્વસ્થ અને ખુશ હશે તો આખો પરિવાર ખુશ રહેશે. નિયમિત જીવન અને ગમતું કામ માનવીને ખોટા વિચારોથી દૂર રાખે છે.
જ્યારે પણ નિવૃત્તિ આયોજનની વાત આવે છે ત્યારે મોટાભાગના લોકો માત્ર નાણાકીય બાબતોનો વિચાર કરે છે. તેમને લાગે છે કે રૂપિયા હશે તો નિવૃત્તિ પરમસુખ બની જશે. જોકે આ વાત સાચી નથી. માત્ર સંપત્તિ હોવાથી નિવૃત્તિ આનંદમય બનતી નથી. હું એવી કેટલીયે વ્યક્તિઓને, દંપતીને ઓળખું છું જેમની પાસે સંપત્તિની કમી નથી, છતાંય સુખી નથી.
તેમનું સ્વાસ્થ્ય પણ સારું છે, કોઈ સમસ્યા નથી, પણ તેમની પાસે કોઈ કામ નથી, કોઈ પ્રવૃત્તિ નથી. કોઈ એવી પ્રવૃત્તિ કે શોખ નથી જે તેને વ્યસ્ત રાખે, જાગૃત રાખે, ખુશ રાખે. તેમનું દિમાગ ખાલી હોય છે અને આપણે કહીએ છીએ ‘નવરો બેઠો નખ્ખોદ વાળે’ તેથી નવરા બેઠાં એવાં એવાં વિચારો કરે કે ક્યારેક પરિવારમાં ઝઘડાનું કારણ બની જાય. તંદુરસ્તી પર અસર થાય અને માંદગી નોતરે. એટલે એમનો કકળાટ શરૂ થઈ જાય:
‘વહુ-દીકરો ધ્યાન રાખતા નથી’, ‘તબિયત બહુ ખરાબ છે - બ્લડ પ્રેશરની તકલીફ છે’. આવા બધાં રોદણાં રડવાનું ચાલુ થઈ જાય છે. તેથી જ નિવૃત્તિમાં મનગમતી પ્રવૃત્તિમાં મન પરોવવાથી જીવનમાં આનંદનો અનુભવ થાય છે.
આ રંજનાબહેનની જ વાત કરું. રંજનાબહેનની ઉંમર હશે 86-87 વર્ષ. ભગવાનની દયાથી સ્વાસ્થ્ય સારું છે અને રંજનાબહેન ક્યારેય પગ વાળીને બેઠાં નથી. તેમને ખાલી બેઠા રહેવું કે ગપ્પા મારવામાં જરાય રસ નથી. ઘરમાં પુત્રવધૂને તો મદદ કરાવે જ છે. પોતાનથી 2-3 વર્ષ મોટા પતિની તબિયત નરમગરમ રહે છે તો તેમની સંભાળ રાખે. સાથે-સાથે પોતાની જ્ઞાતિના મહિલા મંડળમાં પ્રમુખ તરીકેની ફરજ પણ બજાવે.
મજાની વાત એ છે કે પોતે પરામાં રહે છે અને મહિલા મંડળની ઑફિસ ટાઉનમાં છે તો મીટિંગ માટે રંજનાબહેનને ટાઉનમાં જવું પડે. રંજનાબહેન ક્રિએટીવ સેન્સ ધરાવે છે. તેથી મહિલા મંડળમાં નીતનવા કાર્યક્રમોનું આયોજન કરે. એક કાર્યક્રમનું આયોજન કરવું અને તેને સફળતાથી પાર પાડવો એ કાંઈ જેવું-તેવું કે નાનું-સુનું કામ નથી. બહુ જ શ્રમ, જહેમત, સમય, પૈસા માગી લે છે. પણ રંજનાબહેન વર્ષ દરમિયાન નીત-નવા કાર્યક્રમ કરતા જ રહે છે, થાકતા નથી.
ફકત મહિલા મંડળમાં જ રંજનાબહેન કાર્યરત છે એવું નથી. પોતે જ પરાંમાં રહે છે તે પરામાં ચાલતી સંસ્થાના કાર્યક્રમોમાં પણ જાય અને ભાગ પણ લે. આ ઉંમરે પણ નવું નવું શીખવાની તેમની ધગશ કાબિલે તારીફ છે. તેમના સમાજની સાહિત્યમાં પણ તે ઊલટભેર ભાગ લે. લખવામાં તેમની હથોટી નથી. પણ વાંચી વાંચીને, શીખીને લખવાની કોશિશ કર્યાં જ કરે અને હવે ધીરે ધીરે થોડું ઘણું લખતા શીખી ગયાં છે. લખીને જ્ઞાતિ મેગેઝિનમાં પ્રકાશિત અર્થે મોકલવાનું રંજનાબહેન ચૂકે નહીં.
બહેનોને સાહિત્યમાં રસ લઈને લખવાની પ્રેરણા આપતી સંસ્થામાં પણ સભ્ય બની ગયા છે, જેથી બહેનોની સાહિત્ય સભામાં જઈને કંઈક નવું શીખી શકે. આટલી વૃદ્ધાવસ્થામાં રંજનાબહેનનું જોશ જોઈને આપણે નવાઈ જ લાગે. આવું પ્રવૃત્તિમય જીવન જીવવાથી રંજનાબહેન હંમેશાં ખુશખુશાલ હોય છે. તે ક્યારેય રોદણાં રડતા નથી. હા, ક્યારેક પોતાનું કામ વ્યવસ્થિત ન થાય તો અપસેટ થઈ જાય છે.
તે માને છે કે, નિવૃત્તિ એટલે સ્વતંત્રતા, આ પ્રકારની નિવૃત્તિ પ્રાપ્ત કરવા માટે કર્મ એવી રીતે કરવું જોઈએ કે જેથી અંતે કર્મમાંથી મુક્ત બની જવાય. યમરાજનું તેડું આવે તો એની આંગળી પકડીને ચાલતા થવા તૈયાર રહેવાનું છે , પણ એ પહેલાં આપણાંથી જે બને - જેટલું બને તેટલું કરતા રહેવાનું. નવરા નહીં બેસવાનું. રંજનાબહેનની વાતો સાંભળીને મને કવિ શ્રી રિષભ મહેતાની ગઝલ યાદ આવી :
‘ફરી એકડો ઘૂંટીશ, કક્કો લખીશ પાછો,
જૂનું બધું યે નવી રીતથી ભણીશ પાછો.
ઘણું ય કાચું રહી ગયું છે હવે જણાયું,
બધું ફરીથી બહુ જ પાકું કરીશ પાછો.
ઘણીય વેળા ઊઠા ભણાવી ગયા છે લોકો
બધા જ ઘડિયા, બધાં દાખલા ગણીશ પાછો.
હવેથી નરસિંહ, હવેથી મીરાં, કબીર, તુલસી,
શબદ બધાનો ધીરે ધીરે હું પઢીશ પાછો.
હવે ભલેને કપાઈ જાઉં નથી જરા ડર
પતંગ સાથે ગગનમાં ઊંચે ઊડીશ પાછો.’
આ ‘સંધ્યા - છાયા’ના મિત્રોને સપ્રેમ અર્પણ...