Tue Jan 27 2026

Logo

White Logo

મહાલક્ષ્મી રેલવે સ્ટેશન પાસે કેબલ સ્ટેઈડ ફ્લાયઓવર ઓક્ટોબરમાં ખુલ્લો મુકવાની યોજના

4 days ago
Author: Sapna Desai
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહાલક્ષ્મી રેલવે સ્ટેશન પાસે  કેબલ સ્ટેઈડ ફ્લાયઓવરનું કામ હાલમાં ચાલી રહ્યું છે, જે ડૉ.ઈ. મોસેસ રોડ અને કેશવરાવ ખાડ્યે રોડને જોડે છે. કેબલ-સ્ટેડ બ્રિજને ટેકો આપવા માટે ૭૮.૫ મીટર ઊંચા પાયલૉન (વિશાળ સ્ટીલ કોલમ)બનાવવામાં આવી રહ્યો છે, જેનું પંચાવન ટકા કામ પહેલા જ પૂરું થઈ ગયું છે. પાયલૉન, એપ્રોચ રોડ અને તેની સાથે સંકળાયેલા તમામ કામ સમયસર પૂર્ણ કરીને ફ્લાયઓવરને ૩૧ ઑક્ટોબર, ૨૦૨૬ સુધીમાં સંપૂર્ણ રીતે ચાલુ કરવાની પાલિકાની યોજના છે.

મહાલક્ષ્મીનો આ  બ્રિજ પાલિકાનો પહેલો કેબલ સર્પોટેડ પુલ છે, જે રેલવે ટ્રેક પર બનેલો છે અને મહાલક્ષ્મી રેલવે સ્ટેશન નજીક પશ્ર્ચિમ રેલવે  દ્વારા સાત રસ્તાને મહાલક્ષ્મી મેદાન સાથે જોડશે. આ પુલ ૮૦૩ મીટર લાંબો અને ૧૭.૨ મીટર પહોળો હશે, જેમાં રેલવે કોરિડોરની પહોળાઈ ૨૩.૦૧ મીટર હશે. બાંધકામથી અસરગ્રસ્ત વૃક્ષોને બચાવવા માટે પાલિકાએ બ્રિજ એલાઈનમેન્ટમાં ડિઝાઈનની ગોઠવણ કરી છે.

પાલિકાન એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે જણાવ્યું હતું કે કેબલ સ્ટેડ બ્રિજનો પાયલૉન એક મહત્ત્વનો ભાર સહન કરનારો ઘટક છે, તેના પર ફ્લાયઓવરના ડેકને આધાર આપનારા કેબલ તાણેલા હોય છે. પ્રસ્તાવિત પુલ માટે ૭૮.૫ મીટર ઊંચાઈનો પાયલોન ઊભો કરવામાં આવી રહ્યો હોઈ તેની ઊંચાઈ અને તેની રચના એન્જિનિયરિંગની દૃષ્ટિએ પડકારજનક છે. આ પીલર ઉચ્ચ ગુણવત્તાના કૉંક્રીટ અને મજબૂત સ્ટીલ ઘટકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે, જે પવન, ધરતીકંપ, ટ્રાફિકના લોડ અને લાંબા ગાળાનો ઉપયોગ સામે સ્થિરતા અને ટકાઉ નિશ્ર્ચિત કરે છે.

તબક્કવાર બાંધકામને સરળ બનાવવા માટે પાયલોન કરતા ઊંચી એક ક્રેન સ્થળ પર રાખવામાં આવી છે. પાયલોનનું લગભગ પંચાવન ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકીના બધા કામ ટાઈમટેબલ મુજબ આગળ વધી રહ્યા છે. પાયલોન અને તેની સાથે સંકળાયેલા કામ ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

અભિજિત બાંગરે વધુમાં જણાવ્યું હતું કે પશ્ર્ચિમ અને પૂર્વ બંને બાજુએ મોટાભાગના પાયલોન ઊભા કરવામાં આવ્યા છે પણ ટ્રાફિક ડાયવર્ઝનના કામને કારણે પાંચ પાયલોનના કામ હજી પણ બાકી છે. બંને બાજુના એપ્રોચ રોડના કામ પણ હાથ ધરવામાં આવ્યા નથી પણ બાકીના તમામ કામ ૩૦ જૂન, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. પાલિકાના બ્રિજ વિભાગ, સ્થાનિક વોર્ડ ઓફિસ અને ટ્રાફિક પોલીસ સાથે સંકલનમાં ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં પુલ અને તેની સાથે સંકળાયેલા કામ પૂરા કરવાનું લક્ષ્ય છે.