Tue Jan 27 2026

Logo

White Logo

પ્રજાસત્તાક પર્વ 2026: જાણો કોણ છે મુખ્ય અતિથિ ઉર્સુલા વૉન ડેર લેયન?

1 day ago
Author: MayurKumar Patel
Video

નવી દિલ્હીઃ દેશ આજે 77મો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યું છે. આ વખતે યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લેયન અને યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા પ્રજાસત્તાક દિવસની પરેડના મુખ્ય અતિથિ છે. તેમની સાથે યુરોપના ડઝનબંધ અધિકારીઓ પણ ભારત આવ્યા છે. એવું માનવામાં આવે છે કે પરેડ પછી તરત જ ભારત અને યુરોપના અધિકારીઓ FTA પર હસ્તાક્ષર કરીને બંને પક્ષોના સંબંધોને નવી દિશા આપશે.

આવા સમયે એ જાણવું મહત્વનું છે કે આ વર્ષે મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લેયન કોણ છે? તેમનું પ્રારંભિક જીવન કેવું રહ્યું? શિક્ષણ જગતમાં નામ બનાવ્યા પછી તેઓ કેવી રીતે રાજકારણમાં પ્રવેશ્યા અને 27 દેશોના સંગઠન EU ના પ્રતિનિધિ બન્યા?

કોણ છે ઉર્સુલા વૉન ડેર લેયન?

ઉર્સુલા વૉન ડેર લેયન હાલમાં યુરોપિયન કમિશનના અધ્યક્ષ છે. આ પદ માટે યુરોપમાં દર પાંચ વર્ષે ચૂંટણી થાય છે જેમાં 27 દેશોના વિવિધ રાજકીય પક્ષો ભાગ લે છે.  તેઓ 2019માં પ્રથમ વખત ચૂંટાયા હતા. તેઓ જર્મનીના મુખ્ય પક્ષ ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન (CDU) ના સભ્ય છે. જર્મનીના પૂર્વ ચાન્સેલર એન્જેલા મર્કેલની સરકારમાં તેઓ સંરક્ષણ મંત્રી રહી ચૂક્યા છે.  2024ની ચૂંટણીમાં તેઓ સતત બીજી વાર જીત્યા. તેઓ વિશ્વ સમક્ષ 27 દેશોના સંગઠનનું નેતૃત્વ કરે છે અને યુરોપના સંયુક્ત અવાજ તરીકે ઓળખાય છે.

પૃષ્ઠભૂમિ અને બાળપણ

તેમનો જન્મ 8 ઓક્ટોબર 1958ના રોજ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં થયો હતો. તેમના પિતા અર્ન્સ્ટ આલરેક પોતે EU ના મોટા નેતા હતા અને પછીથી જર્મનીમાં લોઅર સેક્સનીના પ્રમુખ બન્યા હતા. તેઓ બાળપણથી જ જર્મન અને ફ્રેન્ચ ભાષા બોલે છે. 13 વર્ષની ઉંમરે તેમનો પરિવાર જર્મની પરત ફર્યો હતો, જ્યાં તેમને ઘોડેસવારીનો શોખ જાગ્યો હતો. તેમણે બ્રસેલ્સની પ્રતિષ્ઠિત યુરોપિયન સ્કૂલ અને બાદમાં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો. લંડનમાં અભ્યાસ દરમિયાન સુરક્ષાના કારણોસર તેમણે પોતાનું નામ બદલીને 'રોઝ લેડસન' રાખ્યું હતું.


અર્થશાસ્ત્રથી મેડિકલ અને લગ્ન

અર્થશાસ્ત્ર પછી તેમણે તબીબી ક્ષેત્ર પસંદ કર્યું અને જર્મનીની હેનોવર મેડિકલ સ્કૂલમાંથી ડૉક્ટરની પદવી મેળવી. ત્યાં જ તેમની મુલાકાત હાઈકો વૉન ડેર લેયન સાથે થઈ, જેમની સાથે તેમણે 1986માં લગ્ન કર્યા હતા. 1990ના દાયકામાં તેઓ પતિ સાથે અમેરિકા ગયા અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો હતો.


તેમણે 40 વર્ષની ઉંમરે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ એન્જેલા મર્કેલની કેબિનેટમાં સૌથી લાંબો સમય સેવા આપનાર સભ્ય રહ્યા છે. તેમણે અનેક ક્રાંતિકારી સુધારા કર્યા હતા.  તેઓ જર્મનીના પ્રથમ મહિલા સંરક્ષણ મંત્રી બન્યા અને લશ્કરમાં આધુનિકીકરણ પર ભાર મૂક્યો. જોકે, આ દરમિયાન સલાહકારોના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિના આરોપોને કારણે તેમને ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો.


કેટલી છે સંપત્તિ

ઉર્સુલા અને હાઈકોને સાત બાળકો છે. તેઓ પોતાના પરિવાર માટે સમર્પિત છે અને ઘણીવાર વીકેન્ડમાં જર્મનીમાં પોતાના ફાર્મહાઉસ પર ઘોડેસવારીનો આનંદ માણે છે.  તેઓ કામ પ્રત્યે એટલા સમર્પિત છે કે બ્રસેલ્સમાં તેમની ઓફિસ પાસેના એક નાના સ્ટુડિયોમાં જ રહે છે. 2025ના અંત સુધીમાં તેમની અંદાજિત સંપત્તિ 3.5 થી 4 મિલિયન ડોલર છે. EU અધ્યક્ષ તરીકે તેમનો વાર્ષિક પગાર 4 લાખ યુરોથી વધુ છે.

તેમની પાસે જર્મનીમાં 200 વર્ષ જૂનું ઐતિહાસિક ફાર્મહાઉસ છે. સત્તાવાર રીતે તેઓ મર્સિડીઝ-બેન્ઝ S-ક્લાસમાં મુસાફરી કરે છે, જ્યારે અંગત વપરાશ માટે તેમની પાસે Audi e-tron જેવી પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર છે.