ઝુબૈદા વલિયાણી
વ્હાલી ‘લાડકી’ પૂર્તિની વાચક બહેનો!
તમે એ વાસ્તવિકતાથી બેખબર નહીં હશો કે લગ્નવાંછુક યુવતીના મનમાં તેમના વિવાહને લઈને અનેક સપનાં હોય છે.
* ડ્રેસ
* મેકઅપ અને
* હેરસ્ટાઈલથી માંડીને સોળ શણગાર સજવાના ઉત્સાહ સાથે તે જ્વેલરી, વેડિંગ ડ્રેસ માટે તેની સ્પેશિયલ ચોઈસ હોય છે.
- લગ્ન જેવો અવસર જીવનમાં એક જ વાર આવે છે તેથી એક એવી માનસિકતા પણ હોય છે કે કોઈ પણ અરમાન, ઈચ્છા, ખ્વાહિશ અધૂરી રહી ન જાય.
- યુવતીની સાથેસાથે તેના મમ્મી-પપ્પા સહિત સમગ્ર પરિવારમાં પણ લગ્નપ્રસંગ માટે અતિ ઉત્સાહ હોય છે.
- ક્યારેક એવું બનતું હોય છે કે યુવતીઓ અરમાનને પૂરા કરવાની ધૂનમાં ઘરની પરિસ્થિતિ અને અમુક વાસ્તવિકતાને ભૂલી જાય છે, જેથી ક્યારેક બજેટ બહાર ખર્ચ થઈ જતો હોય છે તો ક્યારેક લાડલીને અથવા વડીલોને મનદુ:ખ થાય છે.
- મોંઘેરા પ્રસંગમાં મનદુ:ખનું ગ્રહણ ટાળવા માટે દીકરી અને પરિવાર વચ્ચે તથા વર અને વધૂના પરિવારો વચ્ચે સંકલન અને સમજદારી હોવા જરૂરી છે.
- જો વ્યવસ્થિત આયોજન કરવામાં આવે તો પ્રસંગ શાંતિપૂર્વક સંપન્ન થાય છે અને તેનો આનંદ સૌ કોઈ મનભરીને માણી શકે છે.
- આ લખનાર લેખિકા મોટે ભાગે અમેરિકાના એટલાન્ટા, જ્યોર્જિયામાં રહેતા હોઈ ‘લાડકી પૂર્તિ’માં આવતા લેખોને ત્યાંના ગુજરાતી વાંચકો વાંચવાનું ચૂકતા હોતા નથી.
- ચાલો, એવા મુદ્દાઓની ચર્ચા કરી લઈએ, જે દીકરી તથા બંને પરિવારોને ધ્યાનમાં રાખવા જરૂરી છે.
ફૂલોના ગુલદસ્તા સમાન આપણા દેશના સમાજની એક બહુ મોટી વિટંબણા એ છે કે રીત-રિવાજને નિભાવવામાં ગમે તેવો શિક્ષિત વર્ગ પણ વિવેકભાન ભૂલીને ખોટા ખર્ચ કરતો હોય છે.
- પછી ખોટા રિવાજોનો બોજ પેઢી દર પેઢી દરેક વ્યક્તિ ઉઠાવતી રહે છે.
- વહાલી લાડકી બહેનો!
- રીત-રિવાજમાં અને પરંપરાને નિભાવતા વિવેકબુદ્ધિને પણ જાગ્રત રાખો.
- સમય સાથે રીત-રિવાજ સુસંગત બેસતાં ન હોય અને ખોટો આર્થિક બોજ વધારતા હોય તેવા રીત-રિવાજને તિલાંજલિ આપી દેવી જોઈએ.
- ઘણી વાર એવું બનતું હોય છે કે ખોટો દેખાડો કરવા માટે ખોટા ખર્ચ વધી જતા હોય છે અને જે વસ્તુની લાઈફટાઈમ જરૂરત પડતી ન હોય તેવી વસ્તુનો પણ સંગ્રહ કરવામાં આવે છે. આ સમયે થોડો વિચાર કરીને સમજદારીથી ખર્ચ કરવામાં આવે તો વેડિંગનું બજેટ સારી રીતે મેનેજ કરી શકાય છે.
- વહાલી ‘લાડકી’ની વાચક લાડીલી બહેનો...!
* તમારા લગ્નની તૈયારીમાં એવા ગુલતાન બની ન જાવ કે કુટુંબ, ફેમિલીના બીજા સભ્યો અને તેના ભવિષ્યને ભૂલી જાવ.
* તમારા પછી તમારા ભાઈ-બહેન પણ હોય છે અને તેમનું કેરિયર અને લગ્ન માટે પણ પેરેન્ટ્સ જે વ્યવસ્થા કરવાની હોય છે ત્યારે લગ્નનું શોપિંગ કરતી વખતે ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બજેટ બનાવો.
- ઘણીવાર એવું બનતું હોય છે કે પેરેન્ટ્સે દીકરીના અરમાનો પૂરા કરવા બજેટ બહાર ખર્ચ કરવા પણ તૈયાર થઈ જાય છે.
* વેડિંગનું બજેટ એવી રીતે બનાવો કે કુટુંબ, પરિવારના કોઈ પણ સભ્યોને વંચિત રહેવું ન પડે.
- જિંદગીને ન્યૂ ટર્ન આપતો લગ્નનો અવસર દરેક યુવતી માટે અત્યંત મહત્ત્વનો હોઈને આ મોંઘેરા પ્રસંગમાં મનદુ:ખ ટાળવા બંને કુટુંબ વચ્ચે સંકલન અને સમજદારી હોવા જરૂરી બની રહેવા પામે છે. (ક્રમશ).