બનાસકાંઠા: જિલ્લામાં ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રોડ રસ્તાના નિયમોને નેવે મુકી બેફામ ચાલતા ટ્રકે નિર્દોષ મુસાફરોનો ભોગ લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રોંગ સાઈડમાંથી આવતા ટ્રકે હસતા રમતા પરિવારને વિખેરી નાખ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમીરગઢ પાસે બનેલી આ ઘટનામાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. આ ભયાનક અકસ્માતને પગલે સમગ્ર બનાસકાંઠા પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નેશનલ હાઈવે પર શનિવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. એક પૂરપાટ ઝડપે અને ટ્રાફિકના નિયમો વિરુદ્ધ રોંગ સાઈડમાં ધસમસતી આવતી ટ્રકે સામેથી આવતી કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને લોખંડના ડબ્બાની માફક કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ટક્કર બાદ કારમાં સવાર મુસાફરોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી.
આ કરુણ દુર્ઘટનામાં કારમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ અત્યંત કરુણ મોત નિપજ્યા હતા. અકસ્માતનો અવાજ એટલો ભયંકર હતો કે આસપાસના ગ્રામજનો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ કારમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પાંચ જિંદગીઓ આ અકસ્માતમાં હોમાઈ ચૂકી હતી. ઘટનાની જાણ થતા જ અમીરગઢ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહોને પીએમ માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
મૃતકો ઉપરાંત કારમાં સવાર અન્ય ૩ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. લોહીલુહાણ હાલતમાં આ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, ઇજાગ્રસ્તોની હાલત અત્યંત નાજુક છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકની શોધખોળ અને આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.
નેશનલ હાઈવે પર વારંવાર થતા અકસ્માતો પાછળ રોંગ સાઈડ ડ્રાઈવિંગ એક મુખ્ય કારણ બની રહ્યું છે. ઇકબાલગઢ હાઈવે પર બનેલી આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ભારે વાહનોના ચાલકોની બેદરકારી નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થાય છે. સ્થાનિકોમાં પણ હાઈવે પર ટ્રાફિક નિયમોના પાલન અને રોંગ સાઈડ વાહનો ચલાવતા ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.