મહેસાણા/કચ્છ: ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ની રાત્રિથી જ રાજ્યના અનેક ભાગોમાં વાતાવરણમાં ઓચિંતા પલટો આવ્યો છે, જેના કારણે કચ્છ અને મહેસાણા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) નોંધાયો છે.
કચ્છ અને મહેસાણામાં વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છના સરહદી તાલુકા લખપતમાં અચાનક વરસાદી ઝાપટાં પડ્યા હતા. નારાયણ સરોવર, વર્માનગર અને ગુહર જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ, ઉત્તર ગુજરાતના મહેસાણા શહેરમાં પણ સાંજના સમયે અચાનક વાતાવરણ પલટાયું હતું અને કમોસમી વરસાદ વરસ્યો હતો.
શિયાળામાં આવેલા માવઠાને કારણે ખેડૂતોમાં સૌથી વધુ ચિંતા જોવા મળી રહી છે. કચ્છમાં એરંડાનો પાક અત્યારે તૈયાર હોવાથી, વરસાદને કારણે પાક પલળી જવાથી મોટી આર્થિક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. સામાન્ય રીતે શિયાળામાં સૂકું વાતાવરણ પાક માટે અનુકૂળ હોય છે, પરંતુ આ માવઠાથી ઘઉં, જીરું અને રાયડા જેવા શિયાળુ પાકોના ઉત્પાદન પર નકારાત્મક અસર પડી શકે છે. ખેતીના તૈયાર પાક પર આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાતા હવે ખેડૂતો સરકાર પાસે સર્વે અને સહાયની આશા રાખી રહ્યા છે.
હવામાન નિષ્ણાતોની આગાહી અનુસાર, હજુ પણ બનાસકાંઠા, પાટણ અને ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ઠંડીના જોરમાં પણ વધારો-ઘટાડો જોવા મળી શકે છે.