Tue Jan 27 2026

Logo

White Logo

રણજી ટ્રોફીમાં મુંબઈ અને બેન્ગાલ રવિવારે બોનસ પૉઇન્ટ સાથે જીતવાની તૈયારીમાં

3 days ago
Author: Ajay Motiwala
Video

હૈદરાબાદ/કલ્યાણીઃ રણજી ટ્રોફી (Ranji trophy)ના ચાર-દિવસીય મુકાબલામાં મુંબઈ બોનસ પૉઇન્ટ સાથે જીતવાની તૈયારીમાં છે અને એ જ રીતે બેન્ગાલ પણ રવિવારે બોનસ પૉઇન્ટ સાથે વિજય મેળવી શકે.

હૈદરાબાદમાં શનિવારે મુંબઈ (Mumbai)એ હૈદરાબાદને ફૉલો-ઑન થવાની ફરજ પાડ્યા બાદ 166 રનમાં એની સાત વિકેટ લઈ લીધી હતી. મોહિત અવસ્થી અને મુશીર ખાને ત્રણ-ત્રણ વિકેટ મેળવી હતી. હૈદરાબાદ હજી 127 રન પાછળ છે અને એની ત્રણ જ વિકેટ બાકી છે. હૈદરાબાદ આ 127 રન બનાવી લે તો જ મુંબઈએ ફરી બૅટિંગ કરવા આવવું પડે. જોકે મુંબઈને એક દાવથી જીતવાનો સારો મોકો છે. પહેલા દાવમાં મુંબઈએ સરફરાઝ ખાનના 227 રન તથા કૅપ્ટન સિદ્ધેશ લાડના 104 રનની મદદથી 560 રન બનાવ્યા બાદ હૈદરાબાદને 267 રનમાં આઉટ કરી દીધું હતું.

પશ્ચિમ બંગાળના કલ્યાણી શહેરમાં બેન્ગાલે પ્રથમ દાવમાં સુદીપ ચૅટરજીના 209 રનની મદદથી 519 રન કર્યા બાદ સર્વિસીઝની ટીમ 186 રનમાં આઉટ થઈ ગઈ હતી અને ફૉલો-ઑન બાદ સર્વિસીઝે 231 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી. સર્વિસીઝની ટીમ સરસાઈ ઉતારતાં પહેલાં હજી 102 રન પાછળ, પરંતુ એની બે જ વિકેટ બાકી છે. બેન્ગાલના મોહમ્મદ શમીએ આખી મૅચમાં કુલ સાત વિકેટ (બે અને પાંચ વિકેટ) લીધી છે. બેન્ગાલને પણ એક દાવથી જીતવાની તક છે.

અન્ય મૅચોમાં બરોડાએ નાગાલૅન્ડને અને સૌરાષ્ટ્રએ પંજાબને હરાવ્યા બાદ હવે ગુજરાત-રેલવેની મૅચમાં રસાકસી થઈ છે. પ્રથમ દાવમાં ગુજરાતના 175 રનના જવાબમાં રેલવેએ 434 રન કર્યા હતા. બીજા દાવમાં ગુજરાતે જયમીત પટેલના 101 રન અને વિકેટકીપર ઉર્વિલ પટેલના 64 રનની મદદથી 347 રન કર્યા હતા અને ગુજરાત હવે 98 રનથી આગળ છે. આ મુકાબલો ડ્રૉમાં પણ જઈ શકે.