પોલીસ, સીઆરપીએફ સહિત આર્મીનું સંયુક્ત ઓપરેશન, સર્ચ ઓપરેશન જારી
નવી દિલ્હી/શ્રીનગરઃ ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલટા પછી દુશ્મન દેશમાંથી ઘૂસણખોરીનું પ્રમાણ વધી શકે છે, તેમાંય 26મી જાન્યુઆરીના નિમિત્તે દેશમાં એલર્ટ છે ત્યારે કાશ્મીરમાં સેના અને કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાની આતંકવાદી ઠાર મારવામાં આવ્યો છે. કાશ્મીર પોલીસ, ભારતીય સેના સહિત સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં સર્ચ અભિયાન ચાલુ છે.
જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ)ના આતંકવાદીનું પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. ગુપ્તચર વિભાગની જાણકારી પછી બિલાવર વિસ્તારમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેર્યા પછી આતંકવાદી પર નિશાન સાધ્યું હતું, જેમાં ઠાર મરાયો છે. માર્યા જનારા આતંકવાદીની ઓળખ ઉસ્માન તરીકે કરી છે, જે જૈશ-ઐ-મોહમ્મદનો કમાન્ડર હતો. તેની પાસેથી એમ4 ઓટોમેટિક રાઈફલ સહિત અન્ય શસ્ત્રો મળી આવ્યા છે.
જમ્મુ કાશ્મીરના પોલીસે જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીર પોલીસની એક ટીમ, સીઆરપીએફ અને ભારતીય આર્મીના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાની આતંકવાદીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. આ ઓપરેશન તો અગાઉથી હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ચત્રુ વિસ્તારમાં જૈશના આતંકવાદીને એક ગ્રુપ સાથે ચાર દિવસની શાંતિ પછી અથડામણમાં એક જવાન ઘાયલ પણ થયો હતો.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું છે કે ગુરુવારે સવારે ચત્રુના સિંગપુરાની નજીક અરિગમ દ્વાથર વિસ્તારમાં પાકિસ્તાની આતંકવાદી અને સુરક્ષા દળોની વચ્ચે અથડામણ થઈ હતી. ગોળીબારમાં એક જવાન પણ ઘાયલ થયો હતો. જેને એરલિફ્ટ કરીને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
અગાઉ સુરક્ષા દળોએ કઠુઆમાં ત્રણ આતંકવાદી ઠેકાણા પણ શોધી કાઢ્યા હતા. બિલાવરમાં હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં બે એન્કાઉન્ટર પણ થયા હતા, પરંતુ અંધારાનો લાભ લઈ ભાગી જવામાં સફળ રહ્યા હતા. અહીંના કામડ નાલા, કલાબન અને ધનુ પેરોલના જંગલોમાં રાષ્ટ્રવિરોધી તત્ત્વોની હાજરી અંગે માહિતી મળ્યા પછી અગાઉથી સર્ચ અભિયાન હાથ ધર્યું હતું.