ખુશ્બુ મુલાણી ઠક્કર
માર્કેટમાં આજકાલ વિવિધ પ્રકારના પ્રિન્ટવાળા કપડાં ખૂબ જ લોકપ્રિય છે. સ્ટ્રાઈપ, પોલ્કા ડોટ્સ, ફ્લોરલ, કલમકારી, ગઢવાલી, અજરખ, ઈક્કત, સાંગાનેરી,બુટ્ટીસ, ઓલ ઓવર બુટ્ટા વગેરે જેવી અનેક પ્રિન્ટ મળે છે. પરંતુ દરેક પ્રિન્ટ દરેકને સમાન રીતે શોભતી નથી. તમારા બોડી ટાઈપ પ્રમાણે પ્રિન્ટ પસંદ કરવાથી તમારો લુક વધુ આકર્ષક અને સંતુલિત બને છે. કેટલીક પ્રિન્ટ વેસ્ટર્ન આઉટફિટમાં સુંદર લાગે છે, તો કેટલીક ઇન્ડિયન એથનિક વેરમાં સારી લાગે છે, કેટલીક પ્રિન્ટ માત્ર બ્લાઉઝમાં અને કેટલીક પ્રિન્ટ માત્ર સાડીમાં વધુ ફ્લેટરિંગ લાગે છે. આ લેખમાં આપણે આ વિશે વિગતવાર જાણીશું.
પહેલા સમજીએ કે મુખ્ય બોડી ટાઈપ કયા છે. સામાન્ય રીતે સ્ત્રીઓના બોડી શેપને પાંચ મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવે છે:
- એપલ શેપ (ઉપરનો ભાગ મોટો, પેટ આસપાસ ફેટ, કમર પહોળી)
- પિયર શેપ (નીચેનો ભાગ મોટો, હિપ્સ વાઈડ, ઉપરનો ભાગ પાતળો)
- એવરેજ/રેક્ટેન્ગલ શેપ (સીધી બોડી, કમર અને હિપ્સ લગભગ સમાન)
- એવરેજ/હોર ગ્લાસ શેપ (કમર પાતળી, બસ્ટ અને હિપ્સ સમાન)
- ઇન્વર્ટેડ ટ્રાયેન્ગલ (ખભા વાઈડ, હિપ્સ પાતળા)
હવે જોઈએ કે કઈ પ્રિન્ટ કયા બોડી ટાઈપ માટે યોગ્ય છે.
સ્ટ્રાઈપ પ્રિન્ટ:- વર્ટિકલ સ્ટ્રાઈપ્સ બોડીને લાંબી અને સ્લિમ દેખાડે છે. જો તમારી પાસે એપલ અથવા રેક્ટેન્ગલ શેપ છે તો વર્ટિકલ સ્ટ્રાઈપ્સવાળા કૂર્તા, ટોપ અથવા સાડીમાં પહેરો. આ પ્રિન્ટ વેસ્ટર્ન ડ્રેસ અને શર્ટમાં પણ ખૂબ સારી લાગે છે. હોરિઝોન્ટલ સ્ટ્રાઈપ્સ માત્ર પાતળી બોડીવાળી મહિલાઓ માટે સારી છે, કારણ કે તે બોડીને બ્રોડ દેખાડે છે. જો તમારી હાઈટ ઓછી હોય તો તમે વર્ટિકલ સ્ટ્રાઈપ પહેરી શકો. જો ખૂબ જ પાતળા હોવ તો ડ્રેસ કે ટોપમાં હોરિઝોન્ટલ સ્ટ્રાઈપ પહેરી શકો જેથી તમે થોડા બ્રોડ લાગી શકો.
પોલ્કા ડોટ્સ: આ પ્રિન્ટ પ્લેફુલ છે. નાના પોલ્કા ડોટ્સ પાતળી અને એવરેજ બોડીવાળી મહિલાઓ માટે આદર્શ છે. મોટા ડોટ્સ હોર ગ્લાસ અથવા પિયર શેપ વાળી બોડી ટાઈપમાં સારા લાગે છે, પરંતુ એપલ શેપ બોડી ટાઈપમાં પોલ્કા પ્રિન્ટ નથી સારી લાગતી. આ પ્રિન્ટ વેસ્ટર્ન ટોપ્સ, સ્કર્ટ અને બ્લાઉઝમાં વધુ શોભે છે.
ફ્લોરલ પ્રિન્ટ: ફ્લોરલ પ્રિન્ટ રોમેન્ટિક અને ફેમિનાઈન છે. નાના ફ્લોરલ પેટર્ન પિયર શેપ બોડી અને એપલ શેપ બોડી ટાઈપ માટે સારા છે, કારણ કે તે ધ્યાનને વિભાજિત કરે છે. મોટી ફ્લોરલ પ્રિન્ટ એવરેજ બોડી ટાઈપ અને રેક્ટેન્ગલ બોડી ટાઈપમાં સુંદર લાગે છે. ફ્લોરલ પ્રિન્ટ ઇન્ડિયન આઉટફિટ જેમ કે કૂર્તી, અનારકલી અને સાડીમાં ખાસ કરીને સારા લાગે છે. ફ્લોરલ પ્રિન્ટ એક કેઝ્યુઅલ લુક આપે છે. હોલિડેઝ, કોફી ડેટ અને કેઝ્યુઅલ આઉટિંગ માટે ફ્લોરલ પ્રિન્ટ ખૂબ જ સારી લાગે છે. ફ્લોરલ પ્રિન્ટના કલર કોમ્બિનેશ સીઝન પ્રમાણે હોય છે. જેથી શિયાળામાં તમે વાઇબ્રન્ટ કલર પહેરી શકો કે જે ફ્રેશ લુક આપે અને ઉનાળામાં પેસ્ટલ શેડની ફ્લોરલ પ્રિન્ટ પહેરી શકો.
બુટ્ટી અને ઓલ ઓવર બુટ્ટા: આ ટ્રેડિશનલ પ્રિન્ટ ગુજરાતી અને રાજસ્થાની સ્ટાઈલમાં વધુ જોવા મળે છે. નાની બુટ્ટી, પાતળી બોડી અને રેક્ટેન્ગલ શેપ માટે આદર્શ છે, જ્યારે મોટા બુટ્ટા એવરેજ બોડી ટાઈપમાં સુંદર લાગે છે. ઓલ ઓવર બુટ્ટા સાડી અને લહેંગામાં ખૂબ જ રોયલ લુક આપે છે. પિયર બોડી ટાઈપમાં ટોપ માટે નાની બુટ્ટી પહેરવી અને બોટમ પ્લેન રાખો. બુટ્ટીમાં સેલ્ફ બુટ્ટી પણ આવે અને કોન્ટ્રાસ્ટ કલર કોમ્બિનેશનમાં પણ આવે. સેલ્ફ કોમ્બિનેશન એટલે, જો બેજ કલરનું ફેબ્રિક હોય તો તેની પર બેજ કલરના જ બુટ્ટા આવે અને કોન્ટ્રાસ્ટ એટલે, જો બેજ કલરનું ફેબ્રિક હોય તો તેની સાથે મરૂન કલરનું પ્રિન્ટિંગ આવે. બુટ્ટી કે બુટ્ટાની સાઈઝની પસંદગી તમારી પર્સનલ ચોઇઝ અને તમારા બોડી ટાઇપને અનુરૂપ કરી શકાય.
કલમકારી અને ગઢવાલી પ્રિન્ટ: આ બ્લોક પ્રિન્ટ ટ્રેડિશનલ અને આર્ટિસ્ટિક છે. કલમકારીમાં ગોડ્સ-ગોડેસીસના મોટિવ્સ હોય છે, જે એવરેજ બોડી ટાઈપમાં સારા લાગે છે. ગઢવાલી પ્રિન્ટ નાના મોટિવ્સવાળા હોય છે, જે પિયર શેપ બોડી ટાઈપ અને એપલ શેપ માટે ફ્લેટરિંગ છે. આ બંને પ્રિન્ટ ઇન્ડિયન આઉટફિટમાં જેમ કે સાડી, કૂર્તા-પ્લાઝો અને અનારકલીમાં શ્રેષ્ઠ લાગે છે. આ બન્ને પ્રિન્ટ દેખાવમાં જ એટલી સુંદર હોય છે કે એમાં કોઈ પેટર્ન ન હોય તો પણ સારી લાગે. કોઈ મહિલા જયારે કલમકારી અને ગઢવાળી પ્રિન્ટના ડ્રેસ પહેરે ત્યારે અલગ જ તરી આવે છે.
બ્લાઉઝમાં પ્રિન્ટ પસંદ કરતી વખતે ધ્યાન રાખો કે મોટી પ્રિન્ટ બસ્ટને હાઈલાઈટ કરે છે, જ્યારે નાના પ્રિન્ટ સ્લિમ લુક આપે છે. બ્લાઉઝ માટેની જે પ્રિન્ટ સિલેક્ટ કરીએ ત્યારે સાડીને અનુરૂપ બ્લાઉઝની પ્રિન્ટ સિલેક્ટ કરવાની હોય છે. જેમકે, જો તમારું શરીર સુડોળ હોય પણ એ તમે જો પ્લેન સાડી પહેરી હોય તો તેની સાથે મોટા બુટ્ટા વળી પ્રિન્ટવાળું બ્લાઉઝ પણ પહેરી શકાય. જો તમારું શરીર ભરેલું હોય તો પ્લેન સાડી સાથે જીણી બુટ્ટીવાળું બ્લાઉઝ પહેરી શકાય. એ રીતે સાડીમાં પણ તમારી બોડીને અનુરૂપ સાડીની પ્રિન્ટની ડિઝાઇન પસંદ કરવી.
કોઈ પણ પ્રિન્ટ પસંદ કરતી વખતે તમારી પર્સનલ પસંદ ખૂબ જ જરૂરી છે. જે પ્રિન્ટમાં તમે કોન્ફિડન્ટ ફીલ કરી શકો તે જ પ્રિન્ટના કપડાં પહેરવા. ફેશનનું આંધળું અનુકરણ કરવું નહિ.