ગુવાહાટીઃ ભારતને અહીં પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની ત્રીજી મૅચમાં ન્યૂ ઝીલૅન્ડની ટીમ 154 રનનો સાધારણ લક્ષ્યાંક આપી શકી હતી. પહેલી બન્ને મૅચમાં ધમાકેદાર પર્ફોર્મન્સથી ભારતને 2-0થી સરસાઈ અપાવનાર બૅટ્સમેનો અભિષેક શર્મા, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રિન્કુ સિંહ, હાર્દિક પંડ્યા તેમ જ શિવમ દુબેની આજે આકરી કસોટી છે, કારણકે ભારતે વિજયની હૅટ-ટ્રિક સાથે ભારતને સિરીઝમાં વિજયી સરસાઈ પણ અપાવવાની છે.
જો ટીમ ઇન્ડિયા આ મુકાબલો પણ જીતશે તો ભારત (India)ની ધરતી પર પહેલી વખત ટી-20 સિરીઝ જીતવાની ન્યૂ ઝીલૅન્ડની આશા પર પાણી ફરી વળશે.
ન્યૂ ઝીલૅન્ડને 20 ઓવરમાં 9/153 સુધી મર્યાદિત રખાવવામાં જસપ્રીત બુમરાહ (17 રનમાં ત્રણ) અને રવિ બિશ્નોઈ (18 રનમાં બે)ના સૌથી મોટા યોગદાન હતા. તેમને આ મૅચમાં અનુક્રમે અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીના સ્થાને ટીમમાં સમાવવામાં આવ્યા છે અને તેમણે ટીમ મૅનેજમેન્ટના વિશ્વાસને યોગ્ય ઠરાવ્યો છે. હાર્દિક પંડ્યાએ 23 રનમાં બે વિકેટ તેમ જ હર્ષિત રાણાએ 35 રનમાં એક વિકેટ લીધી હતી. કુલદીપ યાદવની બોલિંગ ખર્ચાળ નીવડી હતી. તેની ત્રણ ઓવરમાં 32 રન બન્યા હતા અને તેને વિકેટ નહોતી મળી. શિવમ દુબેને 24 રનમાં વિકેટ નહોતી મળી.
ન્યૂ ઝીલૅન્ડ (New Zealand)ના બૅટ્સમેનોમાં ગ્લેન ફિલિપ્સ (48 રન) અને માર્ક ચૅપમૅન (32 રન)ના સૌથી વધુ યોગદાન હતા અને બન્નેને રવિ બિશ્નોઈએ પૅવિલિયન ભેગા કર્યા હતા.
મૅચની હજી તો શરૂઆત થઈ ત્યાં તો ગણતરીની મિનિટોમાં ન્યૂ ઝીલૅન્ડના બે બૅટ્સમેન પૅવિલિયનમાં પાછા આવી ગયા છે. પેસ બોલર હર્ષિત રાણાએ મૅચના ત્રીજા જ બૉલમાં ઓપનર ડેવૉન કૉન્વે (એક રન)ને મિડ-ઑફ પર હાર્દિક પંડ્યાના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. એ આઘાતજનક ઓવર હજી તો પૂરી થઈ ત્યાં બીજી ઓવર જે હાર્દિકે કરી હતી એના ચોથા બૉલમાં ડીપ સ્ક્વેર લેગમાં રવિ બિશ્નોઈએ રચિન રવીન્દ્ર (ચાર રન)નો કૅચ ઝીલી લેતાં પ્રવાસી ટીમને બીજો ઝટકો લાગ્યો હતો.