અમદાવાદઃ ગુજરાતમાં જાન્યુઆરી મહિનામા શિયાળો જામ્યો છે. શરૂઆતી દિવસોમાં ઠંડી પડ્યા બાદ તાપમાનનો પારો થોડો ચડ્યો હતો, જ્યારે છેલ્લા ચારેક દિવસથી ફરી ઠંડીએ જોર પકડ્યું છે. સામાન્ય રીતે દિવસે ગરમ રહેતું અમદાવાદ પણ શનિ-રવિમાં ઠર્યું હતું. અમદાવાદમાં બપોરે પણ સ્વેટર પહેરીને નીકળવું પડે તેવો ઠાર હતો.
જોકે કચ્છના નલિયા કરતા સૌરાષ્ટ્રનું પોરબંદર વધુ ઠર્યું હતું. પોરબંદરમાં લધુત્તમ તાપમાન નવ ડિગ્રી નોંધાયું હતું અને નલિયામાં 10.4 હતું. જોકે રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ લઘુત્તમ તાપમાન 9 નોંધાયું હતું.
અમદાવાદની વાત કરીએ તો હવમાન વિભાગના જણાવ્યા અનુસાર 14 ડિગ્રી રહ્યું હતું, પરંતુ શહેરમાં ઠંડી વર્તાઈ હતી. વડોદરામાં 15 અને સુરતમાં પણ લઘુત્તમ તાપમાન 15 હતું.
મોટાભાગના શહેરોમા બપોરના સમયે પણ મહત્તમ તાપામન 25થી 28 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. મોટેભાગે વહેલી સવાર અને મોડી સાંજ પછી ઠંડી વર્તાતી હતી, પંરતુ છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન પણ ઠંડો પવન અનુભવાતો હતો. ગુજરાતમાં હજુ બે ત્રણ દિવસ ઠંડીનું જોર રહેશે, તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.