મુંબઈ: ભારતીય સિનેમામાં જ્યારે પણ દેશભક્તિ અને એક્શનની વાત આવે છે ત્યારે સની દેઓલનું નામ મોખરે રહે છે. વર્ષ 2026ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બોર્ડર 2' એ થિયેટરોમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. શુક્રવાર અને શનિવારની મજબૂત કમાણી બાદ વિક એન્ડમાં ફિલ્મનો દબદબો સિનેમાઘરોમાં જોવા મળ્યો હતો. જે સાબિત કરે છે કે સની દેઓલનો માસ પાવર આજે પણ અકબંધ છે. માત્ર મુંબઈ-દિલ્હી જેવા મેટ્રો શહેરોમાં જ નહીં, પરંતુ નાના સેન્ટરોમાં પણ ફિલ્મ 'હાઉસફુલ' જઈ રહી છે.
રિપોર્ટ્સ અનુસાર, 'બોર્ડર 2' એ રિલીઝના ત્રીજા દિવસે એટલે કે રવિવારે રૂ. 57.20 કરોડનું જોરદાર કલેક્શન કરીને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. શુક્રવારે રૂ. 32.10 કરોડ અને શનિવારે રૂ. 40.59 કરોડની કમાણી કર્યા બાદ, રવિવારે કલેક્શનમાં 40% થી વધુનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે 'બોર્ડર 2' વર્ષ 2026 માં સિંગલ ડેમાં સૌથી વધુ કમાણી કરનારી પ્રથમ ફિલ્મ બની ગઈ છે.
આ શાનદાર કમાણી સાથે સની દેઓલે બોક્સ ઓફિસ પર એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે અત્યાર સુધી માત્ર શાહરૂખ ખાનના નામે હતો. બોલીવુડમાં શાહરૂખ ખાન એકમાત્ર એવા સ્ટાર હતા જેમની બે ફિલ્મોએ ('પઠાન' અને 'જવાન') એક જ દિવસમાં 50 કરોડથી વધુનું કલેક્શન કર્યું હોય. હવે સની દેઓલ પણ આ ક્લબમાં સામેલ થઈ ગયા છે. અગાઉ 'ગદર 2' અને હવે 'બોર્ડર 2' એમ બે ફિલ્મો સાથે સનીએ 50 કરોડનો આંકડો પાર કરી શાહરૂખની બરાબરી કરી લીધી છે.
સની દેઓલની કમબેક ફિલ્મ 'ગદર 2' એ તેના પાંચમા દિવસે રૂ. 55.40 કરોડની કમાણી કરી હતી, જે અત્યાર સુધી સનીના કરિયરનો સૌથી મોટો સિંગલ ડે રેકોર્ડ હતો. પરંતુ 'બોર્ડર 2' એ રવિવારે રૂ. 57.20 કરોડ કમાઈને આ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. રણવીર સિંહ, રણબીર કપૂર અને હૃતિક રોશન જેવા યુવા સુપરસ્ટાર્સ વચ્ચે પણ 60ની નજીક પહોંચેલા સની દેઓલનો આ દબદબો બોલીવુડમાં ચર્ચાનો વિષય બન્યો છે.
'બોર્ડર 2' નું અસલી તોફાન હજુ અટકવાનું નામ નથી લઈ રહ્યું. સોમવારે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય રજા હોવાથી ફિલ્મના કલેક્શનમાં હજુ પણ મોટો વધારો થવાની આશા છે. રવિવારના શાનદાર પર્ફોર્મન્સ બાદ સોમવારે ફિલ્મ નવો ઈતિહાસ બનાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. દેશભક્તિના માહોલમાં 'બોર્ડર 2' દર્શકો માટે પહેલી પસંદ બની ગઈ છે.