(અમારા પ્રતિનિધિ તરફથી)
ઊનાઃ ઊના શહેરમાં (24 જાન્યુઆરી) ના વહેલી સવારે સુરક્ષાના ધજાગરા ઉડાવતી એક ઘટનાએ ચર્ચા જગાવી હતી. શહેરના વ્યસ્ત ગણાતા લાયબ્રેરી ચોક વિસ્તારમાં સવારે 7:00 વાગ્યાની આસપાસ સ્કૂલે જવા તૈયાર થયેલી બાળાને નાસ્તો બનાવવા માતાએ ઘર નજીક આવેલી દુકાને દૂધ લેવા મોકલી હતી. બાળા દૂધ લેવા નીકળી ત્યારે એક શખ્સે અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાળકીએ બહાદુરીપૂર્વક અને હિંમતભેર સામનો કરીને નરાધમ ના મનસૂબા નિષ્ફળ બનાવી રાડો રાડ કરતાં શખ્સ ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઇ જતાં આરોપીની ઓળખાણ થઈ હતી, પરંતુ તે ભાગી ગયો હોવાથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર, ઉના સ્વામિનારાયણગુરુકુળમાં ધોરણ 7માં અભ્યાસ કરતી સગીરા વહેલી સવારે શાળાએ જવા માટે તૈયાર થઈ હતી. શાળાએ જતાં પહેલાં તેની માતાએ તેને ઘર નજીક દૂધ લેવા માટે મોકલી હતી. સગીરા જ્યારે લાયબ્રેરી ચોક પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે તેની એકલતાનો લાભ ઉઠાવી પાછળથી આવેલા એક માથાભારે શખ્સે તેને પાછળથી પકડી લીધી હતી અને બળજબરીપૂર્વક ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. છોકરીએ ગભરાવાના બદલે હિંમતપૂર્વક પ્રતિકાર કર્યો હતો.
ભરબજારમાં બનેલી આ ઘટનાથી સગીરા હેબતાઈ ગઈ હતી, પરંતુ તેણે ગજબની હિંમત દાખવી બૂમાબૂમ અને રાડારાડ શરૂ કરી હતી. સગીરા નો પ્રતિકાર અને લોકો એકઠા થઈ જવાની બીકે શખ્સ સગીરાને પડતી મૂકીને તાત્કાલિક ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં અને મીડીયામાં સમાચાર પ્રસિદ્ધ થતાં પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે આ ઘટનાએ શહેરમાં મહિલાઓ તેમ જ બાળકોની સુરક્ષા મામલે સવાલો ઊભા કર્યા હતા.
આ ઘટનાને પગલે ઉના અને ગીર ગઢડા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન એ ભારે આઘાત વ્યક્ત કર્યો હતો. શાળાએ જતી આવતી દીકરીઓની સુરક્ષા વધારવા અને આવા વિકૃત માનસ ધરાવતા શખ્સો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માગ કરી હતી. વહેલી સવારના સુમારે બનેલી આ ઘટનાએ વાલીઓ ની ચિંતા માં વધારો કર્યો હતો.
પોલીસે ગુન્હો નોંધી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી
ઉના પોલીસ અધિકારી એન.એમ.ચોહાણે સમગ્ર પ્રકરણમાં સગીરાના પીતા ને પોલીસ સ્ટેશન પર બોલાવી સગીરવયની દીકરી સાથે જે ઘટના બની તે અંગે નરાધમ આરોપીની ઓળખ કરીને મુનિરશા મહેબૂબશા બેલીમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ 137(2),62,78(2),74 તેમજ પોસ્કો એક્ટ ની કલમ 12 તેમજ 18 મુજબ ગુન્હો નોંધી શોધખોળ કરવા અલગ અલગ ટીમ બનાવી પકડવા તજવીજ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી નશાખોરી કરતો હોય અગાઉ પણ તેના વિરુદ્ધ ચોરીની ફરીયાદ નોંધાયેલી છે. આરોપી મુનીરશાએ તેની પત્નીને પણ ઢોરમાર માર્યો હોવાથી તેમની પત્ની એ ઊના પોલીસમાં અરજી આપી કાર્યવાહી કરવા માંગણી કરી હતી.