ગુજરાતમાં હાલ ચાલી રહેલા મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ (SIR) દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી છે. જાણીતા હાસ્ય કલાકાર અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા શહાબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે કોઈ અજાણ્યા શખસ દ્વારા ફોર્મ નંબર 7 ભરી દેવામાં આવ્યું છે. આ ઘટના બહાર આવતા જ સ્થાનિક રાજકારણ અને સામાજિક ક્ષેત્રે ભારે ચકચાર વ્યાપી ગયો છે અને ચૂંટણી પંચની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.
ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પુરાવા સાથે આ મામલે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે, જે વ્યક્તિ સમગ્ર શહેર અને દેશનું ગૌરવ છે, તેમનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે જે રીતે ફોર્મ ભરાયું છે તે એક મોટા કાવતરાનો ભાગ છે. મકવાણાએ આક્ષેપ કર્યો કે શાસક પક્ષને અનુકૂળ ન હોય તેવા અથવા વિરોધ પક્ષના સમર્થકોના નામ યાદીમાંથી વ્યવસ્થિત રીતે કાઢી નાખવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે.
ચૂંટણી પંચના નિયમ મુજબ, ફોર્મ નંબર 7 નો ઉપયોગ કોઈ પણ મતદારનું નામ યાદીમાંથી કમી કરવા અથવા તેની સામે વાંધો ઉઠાવવા માટે થાય છે. પૂર્વ ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યો છે કે જો પદ્મશ્રી જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિના નામ સાથે આવું થઈ શકતું હોય, તો સામાન્ય નાગરિકના મતાધિકારની સુરક્ષા શું? તેમણે આ મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરી છે.
આ મામલે કોંગ્રેસે ચૂંટણી પંચની ભૂમિકા સામે આંગળી ચીંધી છે અને સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ગુજરાતમાં અંદાજે 1.72 કરોડ મતદારોને નોટિસ પાઠવવાની પ્રક્રિયા ચાલી રહી છે. કોંગ્રેસે ચીમકી આપી છે કે જો સાચા મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવશે, તો તેઓ રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે.