નિલેશ વાઘેલા
મુંબઈ: ટાટા જૂથની કંપનીઓ પર રોકાણકારોને ભારે વિશ્વાસ હોય છે અને એવામાં કોઈ કંપનીમાં ૩૬ ટકા જેવા કડાકાની વાત આવે તો માનવું મુશ્કેલ થઈ પડે!
જોકે, જાણી ને આશ્ચર્ય થશે કે, રેલીસ ઈન્ડિયાના નફામાં પાંચ ગણો ઘટાડો નોંધાયો છે. ટાટા ગ્રુપની કંપની રેલીસ ઈન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં માત્ર રૂ.2 કરોડનો નફો નોંધાવ્યો છે.
એ નોંધવું મહત્વપૂર્ણ છે કે એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં રેલીસ ઈન્ડિયાએ ઉપરોક્ત સમયગાળામાં રૂ. 11 કરોડનો નફો નોંધાવ્યો હતો. આમ વાર્ષિક ધોરણે રેલીસ ઈન્ડિયાના નફામાં 81.8 ટકાનો ઘટાડો થયો છે.
કુલ હિસાબ માંડીએ તો આ સાથે પાછલા છ મહિનામાં રેલીસ ઈન્ડિયાના શેરમાં 36 ટકાથી વધુનો ઘટાડો થયો છે. રેલિસ ઇન્ડિયા જંતુનાશકો અને કૃષિ રસાયણો ઉદ્યોગમાં કાર્યરત છે.
કેટલીક મુખ્ય નાણાકીય વિગતોમાં, ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં રેલિસ ઇન્ડિયાની આવક વાર્ષિક ધોરણે 19.3 ટકા વધીને રૂ. 623 કરોડ થઈ છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં કંપનીની આવક રૂ. 522 કરોડ હતી.
નોંધવું રહ્યું કે ઉક્ત આંકડામાં ઉપરોક્ત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વેજ કોડના અમલીકરણને કારણે ઉદભવેલી વધારાની ગ્રેચ્યુઇટીની જોગવાઈઓને પ્રતિબિંબિત કરતી અપવાદરૂપ વસ્તુઓનો સમાવેશ થાય છે.
એકંદરે છ મહિનામાં કંપનીના શેર 36 ટકાથી વધુ ઘટ્યા છે. 21 જુલાઈ, 2025ના રોજ, આ લખાઈ રહ્યું હતું ત્યારે, શેર 362.65 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે 20 જાન્યુઆરી, 2026 ના રોજ શેર 230.45 રૂપિયા પર બંધ થયો હતો.
આ વર્ષે અત્યાર સુધીમાં, રેલિસ ઇન્ડિયાના શેર 17 ટકાથી વધુ ઘટ્યા છે. છેલ્લા એક મહિનામાં, શેર 16 ટકા ઘટ્યો છે. શેરનો બાવન સપ્તાહનો ઉચ્ચતમ ભાવ ૩૮૫.૬૦ રૂપિયા છે, જ્યારે બાવન સપ્તાહનો નીચો ભાવ ૧૯૬ રૂપિયા છે.