મુંબઇ: વિદેશી ફંડોવની અકધારી વેચવાલી અને ફોરેક્સમાં રૂપિયાના ડોલર સામે ૯૨ની સપાટીને અથડાવા સાથે ખખડી ગયેલા માનસ વચ્ચે વ્યાપક વેચવાલીનું દબાણ આવતા સેન્સેક્સમાં ફરી ૭૭૦ પોઇન્ટનો ધબડકો નોંધાયો હતો, જયારે નિફ્ટીએ ૨૫,૦૦૦ની સપાટી માંડ ટકાવી હતી. હજુ પાછલા સત્રમાં ગુરુવારે ડોનલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ બાબતે ફેરવી તોળ્યા બાદ પહેલી ફેબ્રુઆરીથી યુરોપ પર ટેરિફ લાદવાનો નિર્ણય પાછો ખેંચ્યાની જાહેરાતે યુરોપ અને યુએસની ટે્રડ વોર ટળવાની સંભાવનાને કારણે બેન્ચમાર્કમાં ૮૭૪ પોઇન્ટનો સુધારો જોવા મળ્યો હતો.
સત્ર દરમિયાન ૮૨૫ પોઇન્ટની નીચી સપાટીને અથડાયા બાદ સેન્સેક્સ ૭૬૯.૬૭ પોઇન્ટ અથવા તો ૦.૯૪ ટકાના મોટા ધબડકા સાથે ૮૧,૫૩૭.૭૦ પોઇન્ટની અને નિફ્ટી ૨૪૧.૨૫ પોઇન્ટ અથવા તો ૦.૯૫ ટકાના ઘટાડા સાથે ૨૫,૦૪૮.૬૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. વ્યાપક વેચવાલીને કારણે સ્મોલ કેપ ઇન્ડેકસમાં ૨.૧૯ ટકાનો અને મિડકેપ ઇન્ડેક્સમાં ૧.૫૬ ટકાનો કડાકો નોંધાયો હતો.
અદાણી પોર્ટ, ઇટર્નલ, ઇન્ડિગો, એક્સિસ બેન્ક, બજાજ ફિનસર્વ, પાવરગ્રીડ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેટ બેેન્ક, મારુતી, બજાજ ફાઇનાન્સ, એનટીપીસી, ટ્રેન્ટ, લાર્સન અને રિલાયન્સ ટોપ લુઝર્સ હતા. જ્યારે ટેક મહિન્દ્રા, હિંદુસ્તાન યુનિલીવર, ઇન્ફોસિસ, એશિયન પેઇન્ટ, ટીસીએસ, ટાઇટન અને અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ ગેઇનર હતા.
બજારના સાધનો અનુસાર વિશ્ર્વબજારના સારા સંકેત છતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની એકધારી વેચવાલી, ડોલર સામે રૂપિયાની વિક્રમી નીચી સપાટી, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને કોર્પોરેટ સેકટરના નબળા પરિણામ જેવા કારણોસર સ્થાનિક બજાર ગબડ્યું હતું.
કોર્પોરેટ પરિણામ મિશ્ર રહ્યા હતા. બેન્ક ઓફ ઇન્ડિયાએ ત્રિમાસિક ગાળામાં સાત ટકાના વધારા સાથે રૂ. ૨,૭૦૫ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. ૨,૫૧૭ કરોડ હતો. સિપ્લાનો નફો ૫૭ ટકા ઘટીને રૂ. ૬૭૬ કરોડ, અદાણી ગ્રીન એનર્જીનો નફો ૯૯ ટકાના કડાકા સાથે પાંચ કરોડ રૂપિયા નોંધાયો હતો.
ઝી એન્ટરટેન્મેન્ટ એન્ટરપ્રાઇસના નફામાં પાંચ ટકાનો ઘટાડો થયો છે. વારી એનર્જીએ બમણીથી વધુ વૃદ્ધિ સાથે રૂ. ૧૧૦૬ કરોડનો નફો નોંધાવ્યો છે. યુનાઇટેડ સ્પિરિટે ચોખ્ખો નફામાં ૨૪.૭૭ ટકાનો વધારો નોંધાવ્યો હતો. શોપર્સ સ્ટોપે ત્રીજા ક્વાર્ટરમાં ૬૯ ટકાના જોરદાર ઘટાડા સાથે રૂ. ૧૬.૧૨ કરોડનો નફો જાહેર હતો.
કંપની પરિણામોની નિરાશાએ પણ સેન્ટિમેન્ટને નુકસાન પહોંચાડ્યું હતું. ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, વિપ્રો બાદ એલટીઆઇ માઇન્ડટ્રીએ પણ નાણાકીય મોરચે રોકાણકારોને નિરાશ કર્યા હતા જોકે, ડિસેમ્બર ૨૦૨૫માં પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરમાં આઇટીસીનો નફો ૯.૬૦ ટકા વધીને રૂ. ૨૩૭ કરોડ જ્યારે, એસઆરએફએ નફો ૫૯.૬૦ ટકા વધીને રૂ. ૪૩૨.૬૬ કરોડ નોંધાયો છે. આઇઆરએફસીએ ૧૦.૫૧ ટકાના વધારા સાથે રૂ. ૧,૮૦૨ કરોડનો ચોખ્ખો નફો અને પીએનબીએ ૧૩ ટકાના વધારા સાથે રૂ. ૫,૧૦૦ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.