(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં ભારતીય રોકાણકારોની સંપત્તિમાં ભારે ધોવાણ જોવા મળ્યું હતું. આ કરેક્શનને અનેક પરિબળો એકત્ર થતાં વેગ મળ્યો હતો, જેમાં વધતા ભૂરાજકીય તણાવ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની આક્રમક વેચવાલી અને ડોલર સામે રૂપિયાની નબળાઈને કારણે ઊભા થયેલા ગભરાટનો સમાવેશ થાય છે.
ટોચની ૧૦ સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી નવ કંપનીઓના સંયુક્ત માર્કેટકેપમાં ગયા અઠવાડિયે રૂ. ૨.૫૧ લાખ કરોડનો ઘટાડો થયો હતો, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને સૌથી મોટો ફટકો પડ્યો હતો, જે ઇક્વિટી બજારમાં જોવા મળેલા નબળા વલણને અનુરૂપ હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક અને ભારતી એરટેલ સહિતની ટોચની ૧૦ સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી નવનું સંયુક્ત બજાર મૂલ્યાંકન રૂ. ૨,૫૧,૭૧૧.૬ કરોડનું ઘટ્યું હતું.
પાછલા અઠવાડિયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું બજાર મૂલ્યાંકન રૂ. ૯૬,૯૬૦.૧૭ કરોડ ઘટીને રૂ. ૧૮,૭૫,૫૩૩.૦૪ કરોડ નોંધાયું હતું. જ્યારે આઇસીઆઇસીઆઇ બેંકનું મૂલ્યાંકન રૂ. ૪૮,૬૪૪.૯૯ કરોડ ઘટીને રૂ. ૯,૬૦,૮૨૫.૨૯ કરોડ થયું હતું.
એચડીએફસી બેંકનું મૂલ્યાંકન રૂ. ૨૨,૯૨૩.૦૨ કરોડ ઘટીને રૂ. ૧૪,૦૯,૬૧૧.૮૯ કરોડ થયું અને ભારતી એરટેલનું મૂલ્યાંકન રૂ. ૧૭,૫૩૩.૯૭ કરોડ ઘટીને રૂ. ૧૧,૩૨,૦૧૦.૪૬ કરોડ થયું. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)નું માર્કેટ કેપિટલાઈઝેશન ૧૬,૫૮૮.૯૩ કરોડ રૂપિયા ઘટીને ૧૧,૪૩,૬૨૩.૧૯ કરોડ રૂપિયા થયું અને લાર્સન એન્ડ ટુબ્રોનું માર્કેટ કેપ ૧૫,૨૪૮.૩૨ કરોડ રૂપિયા ઘટીને ૫,૧૫,૧૬૧.૯૧ કરોડ રૂપિયા થયું.
બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપ ૧૪,૦૯૩.૯૩ કરોડ રૂપિયા ઘટીને ૫,૭૭,૩૫૩.૨૩ કરોડ રૂપિયા થયું અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું માર્કેટ કેપ ૧૧,૯૦૭.૫ કરોડ રૂપિયા ઘટીને ૯,૫૦,૧૯૯.૭૭ કરોડ રૂપિયા થયું. ઈન્ફોસિસનું માર્કેટ કેપ ૭,૮૧૦.૭૭ કરોડ રૂપિયા ઘટીને ૬,૯૪,૦૭૮.૮૨ કરોડ રૂપિયા થયું.
જોકે, હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપ ૧૨,૩૧૧.૮૬ કરોડ રૂપિયા વધીને ૫,૬૬,૭૩૩.૧૬ કરોડ રૂપિયા થયું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી મૂલ્યવાન કંપની રહી, ત્યારબાદ એચડીએફસી બેંક, ટીસીએસ, ભારતી એરટેલ, આઇસીઆઇસીઆઇ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર અને લાર્સન એન્ડ ટુબ્રોનો ક્રમ આવે છે.
સપ્તાહ દરમિયાન બીએસઈ અને એનએસઈ પર સંયુક્તપણે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ.૧,૦૮,૭૩૫.૯૭ કરોડની ખરીદી અને રૂ.૮૪,૦૫૪.૬૬ કરોડની વેચવાલી કરી હતી. આમ સ્થાનિક સંસ્થાઓએ રૂ.૨૪,૬૮૧.૩૧ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
જ્યારે આની સામે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૯૨,૫૪૯.૧૩ કરોડની ખરીદી અને રૂ. ૧,૧૧,૫૪૭.૨૫ કરોડની વેચવાલી કરી હતી. આમ એફઆઈઆઈએ રૂ.૧૮,૯૯૮.૧૨ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી.
બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ સૌથી અધિક વધેલી પાંચ સ્ક્રિપ્સમાં હિંદુસ્તાન યુનિલિવર ૨.૧૭ ટકા, ટેક મહિન્દ્ર ૧.૮૧ ટકા,કોટક બેન્ક ૦.૯૪ ટકા અને એચસીએલ ટેકનોલોજી ૦.૪૫ ઊછળ્યો હતો. જ્યારે સેન્સેક્સ સમાવિષ્ટ સૌથી અધિક ઘટેલી પાંચ સ્ક્રિપ્સમાં ઈટર્નલ ૧૧.૧૭ ટકા, અદાણી પોર્ટસ ૮.૭૧ ટકા, રિલાયન્સ ૫.૧૭, આઈસીઆઈસીઆઈ બેન્ક ૫.૦૮ ટકા અને ટાઈટન ૪.૩૫ ટકા ગબડ્યો હતો.
ગ્રુપ અનુસાર વધઘટમાં એ ગ્રુપની ૭૨૮ કંપનીઓમાંથી ૭૬ કંપનીઓના ભાવ વધ્યા અને ૬૫૨ના ઘટ્યા હતા. જ્યારે બી ગ્રુપની ૧૫૦૩ કંપનીઓમાં ૧૬૨ કંપનીઓના ભાવ વધ્યા, ૧,૩૩૭ના ભાવ ઘટ્યા અને ચારના સ્થિર રહ્યા હતા. સપ્તાહ દરમિયાન બી ગ્રુપની ૧૦ કંપનીઓને નીચલી તેમ જ ૧૨ કંપનીઓને ઉપલી સર્કીટ લાગી હતી.