Tue Jan 27 2026

Logo

White Logo

બજેટની અટકળો અને ઇરાન-અમેરિકા પર નજર સાથે સાવચેતીના માનસ વચ્ચે શેરલક્ષી કામકાજ જોવા મળશે...

2 days ago
Author: Nilesh Vaghela
Video

શેરબજાર: નિલેશ વાઘેલા

મુંબઇ
: બજારની નજર હવે આંતરરાષ્ટ્રીય પરિબળો ઉપરાંત આ અઠવાડિયે ખાસ કરીને અંદાજપત્ર પર મંડાયેલું રહેશે અને તેની અટકળોને આધારે સેકટર અને સ્ટોક સ્પેસિફિક કામકાજમાં વધારો જોવા મળશે. વિદેશી ફંડોવની અકધારી વેચવાલી અને ફોરેક્સમાં રૂપિયાના ડોલર સામે ૯૨ની સપાટીને અથડાવા સાથે ખખડી ગયેલા માનસ વચ્ચે વ્યાપક વેચવાલીનું દબાણ આવતા શેરબજારમાં ફરી ધબડકો નોંધાયો હતો.

હજુ ગુરુવારે ડોનલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ બાબતે ફેરવી તોળ્યા બાદ અને પહેલી ફેબ્રુઆરીથી યુરોપ પર ટેરિફ લાદવાનો નિર્ણય પાછો ખેંચ્યાની જાહેરાતે યુરોપ અને યુએસની ટે્રડ વોર ટળવાની સંભાવનાને કારણે  શેરબજારને માંડ કળ વળી હતી ત્યાં ફરી એકવાર અમેરિકાએ મધ્યપૂર્વમાં ઇરાન પર હુમલો કરવાની આદરેલી તૈયારી અને ઇરાને વળતા હુમલાની આપેલી ચેતવણીએ ઇક્વિટી માર્કેટમાં અજંપો ઊભો કર્યો છે.

સમીક્ષા હેઠળના પાલા સપ્તાહ દરમિયાન બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેમાં બજાર મંદીના સંકજામાં આવી ગયું હતું. નબળા વૈશ્ર્વિક સંકેતો, સતત એફઆઇઆઇ આઉટફ્લો, રૂપિયાના મૂલ્યમાં નોંઘપાત્ર ધોવાણ અને કોર્પોરેટ ક્ષેત્રના પરિણામોમાં રોકાણકારોને સાંપડી રહેલી નિરાશાને કારણે સમગ્ર સપ્તાહ દરમિયાન બજાર દબાણ હેઠળ રહયું હતું. ગયા અઠવાડિયે, બેન્ચમાર્ક સેન્સેક્સ ૨,૦૩૨.૬૫ પોઈન્ટ અથવા ૨.૪૩ ટકા ઘટ્યો હતો.

બજારના સાધનો અનુસાર ભૂરાજકીય તણાવ વચ્ચે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની એકધારી વેચવાલી, રૂપિયાની વિક્રમી નીચી સપાટી, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને કોર્પોરેટ સેકટરના નબળા પરિણામ જેવા પરિબળો બજારના સેન્ટિમેન્ટને ખરડતા રહેશે.ભારતીય શેરબજાર આ અઠવાડિયામાં એક સંવેદનશીલ પરંતુ મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશી રહ્યું છે. પાછલા કેટલાક મહિનાઓમાં બજારે જોરદાર ઉછાળા અને કડાકા અનુભવ્યા છે. જોકે બજાર જજાણે અથડાઇ ગયું હોય તેમ હવે એકના એક પરિબળો અને પરિણામો વચ્ચે અત્યંત નિરસ મૂડમાં સરી પડ્યું છે. જોકે આ બધઝા વચ્ચે ઘડાઇ રહેલ રોકાણકારો વધુ વિચારશીલ અને પસંદગીયુકત અભિગમ ધરાવતા બન્યા છે.

આ તબક્કામાં ઝડપી નફો નહીં, પરંતુ ધીરજ અને દૃઢ વિશ્વાસ જ સાચો માર્ગદર્શક બનશે. આંતરરાષ્ટ્રીય સ્તરે અનિશ્ર્ચિતતા યથાવત છે. વિકસિત દેશોની સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજદર અંગે અપાયેલો સંકેતગ્લોબલ કેપિટલના પ્રવાહને દિશા આપશે. ખાસ કરીને અમેરિકન ફેડરલ રિઝર્વ તરફથી મળતી કોઈ પણ અણધારી ટિપ્પણી બજારોમાં અસ્થિરતા ઊભી કરી શકે છે. 
ભારતીય રોકાણકારો માટે આ એક ચેતવણીરૂપ સ્થિતિ છે. બજારના પીઢ અભસુંઓ માને છે કે, ટૂંકાગાળાના ઉતાર-ચઢાવથી વધુ મહત્વ હવે લાંબા ગાળાની આર્થિક દિશાને આપવાની જરૂર છે.

સ્થાનિક મોરચે, કોર્પોરેટ પરિણામો આગામી અઠવાડિયામાં બજારની અફડતફડીનો આધાર બનશે. બેન્કિંગ, કેપિટલ ગુડ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં મજબૂતી જોવા મળે છે, જ્યારે એફએમસીજી અને અન્ય ઉપભોક્તા આધારિત સેક્ટરોમાં માગ અને માર્જિન પર દબાણ સ્પષ્ટ છે.માર્કેટ એનાલિસ્ટ જણાવે છે કે, બજાર હવે માત્ર ગ્રોથ સ્ટોરી પર નહીં, પરંતુ અમલ ક્ષમતા, રોકડ પ્રવાહ અને બેલેન્સ શીટની મજબૂતી પર પ્રતિસાદ આપી રહ્યું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)નું વલણ પણ નજીકથી જોવાનું રહેશે.

તાજેતરમાં તેમની પ્રવૃત્તિમાં અસ્થિરતા જોવા મળી છે. આ વર્ગ ક્યારેક લેવાલી, તો ક્યારેક નફાવસૂલી કરે છે, જોકે પાછલા કેટલાક સત્રથી એકધારી વેચવાલીનુંં દબાણ વધતુ જઇ રહ્યું છે. જો સતત વેચવાલી જોવા મળે તો લાર્જ-કેપ શેરોમાં ઉછાળો મર્યાદિત રહી શકે છે. તેમ છતાં, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને રિટેલ રોકાણકારોની મજબૂત ભાગીદારી ભારતીય બજારને આધાર આપી રહી છે, જે દેશની આર્થિક રચનાની મજબૂતીનું પ્રતિબિંબ છે.

સેક્ટરલ દૃષ્ટિએ, ડિફેન્સ, રિન્યુએબલ એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં નીતિ આધાર, ઓર્ડર બુક અને લાંબા ગાળાની વૃદ્ધિની સ્પષ્ટતા હોવાથી રસ યથાવત છે. પરંતુ ઘણા મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ભાવ પહેલેથી જ ઘણા આગળ વધી ચૂક્યો છે. આવી સ્થિતિમાં મૂલ્યાંકન અને જોખમ વચ્ચેનું સંતુલન ફરીથી ચકાસાવાનું છે, જેના પરિણામે ટૂંકાગાળામાં અસ્થિરતા વધવાની શક્યતા નકારી શકાય નહીં.

રિટેલ રોકાણકારો માટે સંદેશ સ્પષ્ટ છે. શેરબજાર ક્યારેય સીધી રેખામાં ચાલતું નથી. ઊંચા ભાવ પર ઉતાવળમાં રોકાણ કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેના બદલે, ગુણવત્તાવાળી કંપનીઓ, મજબૂત મેનેજમેન્ટ, ટકાઉ બિઝનેસ મોડલ અને લાંબા ગાળાની દૃષ્ટિ-આ ચાર આધારસ્તંભો પર રોકાણ કરવું વધુ સમજદારીભર્યું રહેશે.

સારાંશરૂપે, આ અઠવાડિયો કદાચ મોટા બ્રેકઆઉટ કે મોટા ક્રેશનો સંકેત નહીં આપે, પરંતુ ક્ધસોલિડેશન, સ્ટોક-સ્પેસિફિક ચાલ અને રોકાણકારોની સમજની કસોટી જરૂર બનશે. આ બજારમાં સાચી સંપત્તિ અનુમાનથી નહીં, પરંતુ સમય, ધીરજ અને શિસ્તથી સર્જાય છે.