(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટઃ ગોંડલના ખૂબ ચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ જાડેજાને ગોંડલ કોર્ટે જામીન આપી દીધા છે. આ નિર્ણય બાદ રાજદીપસિંહ 84 દિવસના જેલવાસ બાદ મુક્ત થશે. રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજા ઘણા સમયથી જેલમાં હતા. ગુનો નોંધાયા બાદ લગભગ છ મહિના સુધી રાજદીપસિંહ ફરાર રહ્યો હતો. તેણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ રાહત ન મળતા આખરે 10 નવેમ્બર, 2025ના રોજ તેમણે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું.
રાજદીપસિંહ જાડેજાને ગોંડલ કોર્ટે જામીન મંજૂર કર્યાં
આત્મસમર્પણ બાદ પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં તેમને 13 નવેમ્બરના રોજ જૂનાગઢ જેલ હવાલે કરાયો હતો. ગોંડલની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટના જજ એચ.એ. ત્રિવેદી સમક્ષ જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ કેસમાં ફરિયાદ પક્ષે સ્પેશિયલ પીપીની નિમણૂક કરી હતી, જ્યારે બચાવ પક્ષે મજબૂત દલીલો રજૂ કરી હતી. પોલીસ તપાસના કાગળો અને પુરાવાઓની ચકાસણી કર્યા બાદ, કોર્ટે બચાવ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર કર્યા છે.
ગોંડલ કોર્ટે આ શરતો સાથે જામીન મંજૂર કર્યા
કોર્ટે અરજદાર/આરોપીને કડક શરતો સાથે જામીન મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. આરોપી પુરાવા સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરી શકશે નહીં, સાક્ષીઓને ફોસલાવી કે ડરાવી શકશે નહીં. જામીન મુક્ત થયા બાદ 01/04/2026 સુધી રાજકોટ જિલ્લાની હદમાં જ રહેવું પડશે. કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી કોર્ટની પરવાનગી વગર ગુજરાત રાજ્ય બહાર જવા પર પ્રતિબંધ, જો આરોપી પાસે પાસપોર્ટ હોય તો તે 7 દિવસમાં કોર્ટમાં જમા કરાવવો પડશે. જો ન હોય, તો તે અંગેનું સોગંદનામું રજૂ કરવું પડશે. ટ્રાયલ દરમિયાન નિયમિત હાજર રહેવું પડશે. પોતાના રહેઠાણ અને મોબાઈલ નંબરની વિગતો લેખિત સોગંદનામા દ્વારા કોર્ટ અને પોલીસ તપાસ અધિકારીને આપવાની રહેશે.