Tue Jan 27 2026

Logo

White Logo

કિંગ કોહલીના રિટાયરમેન્ટ પર ગાવસ્કરની મોટી આગાહી: આટલા વર્ષો સુધી મેદાન ગજવશે વિરાટ!

1 week ago
Author: mumbai samachar teem
Video

 મુંબઈ: ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અત્યારે ફરી એકવાર પોતાના જૂના અંદાજમાં જોવા મળી રહ્યા છે. છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વિરાટની બેટિંગમાં એક મોટો બદલાવ આવ્યો છે; તેઓ હવે શરૂઆતથી જ આક્રમક રમત રમીને ઝડપી રન બનાવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની શરૂઆતની મેચોમાં નિષ્ફળતા બાદ કોહલીએ જે રીતે દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સામે બે-બે સદી ફટકારી છે, તે જોતા લાગે છે કે વિરાટ 2016ના એ ફોર્મમાં પાછો આવી ગયો છે. ચાહકો હવે આશા રાખી રહ્યા છે કે કોહલી ટૂંક સમયમાં સચિન તેંડુલકરના સૌથી વધુ સદીના રેકોર્ડને પણ તોડી નાખશે.

વિરાટ કોહલીએ ટી20 અને ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હવે તેઓ માત્ર વનડે (ODI) ક્રિકેટ પર ધ્યાન આપી રહ્યા છે. કોહલીની વધતી ઉંમરને જોઈને ઘણા લોકો તેમના ભવિષ્ય પર સવાલ ઉઠાવી રહ્યા હતા, પરંતુ લિજેન્ડ સુનિલ ગાવસ્કરનું  માનવું છે કે કોહલી માત્ર 2027 કે 2031નો વર્લ્ડ કપ જ નહીં, પરંતુ જો તેઓ ઈચ્છે તો 2032 કે 2033 સુધી પણ મેદાન પર રમી શકે છે. ગાવસ્કરે કોહલીના પ્રોફેશનલિઝમ અને રમત પ્રત્યેના ઝનુનની મુક્ત કંઠે પ્રશંસા કરી છે.

37 વર્ષની ઉંમરે પણ વિરાટ કોહલી જે પ્રકારની ફિટનેસ ધરાવે છે, તેનાથી ગાવસ્કર ખૂબ પ્રભાવિત થયા છે. તેમણે ન્યૂઝીલેન્ડ સામેની મેચનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વિરાટ જ્યારે ક્રીઝ પર હોય છે ત્યારે સામેની ટીમ દબાણમાં હોય છે. જે રીતે તેઓ વિકેટો વચ્ચે દોડે છે અને ફિલ્ડિંગમાં જે ચપળતા બતાવે છે, તે જોતા તેઓ આજે પણ ટીમ ઇન્ડિયાના સૌથી ફિટ ખેલાડી સાબિત થાય છે. આ ફિટનેસ જ કોહલીને લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટકી રહેવામાં મદદ કરશે.

મેચ દરમિયાન જ્યારે એક પછી એક પાંચ સાથી ખેલાડીઓ આઉટ થઈ ગયા, ત્યારે પણ કોહલીએ એક છેડો સાચવી રાખ્યો હતો. તેમણે નીતીશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણા જેવા યુવા ખેલાડીઓ સાથે મહત્વની ભાગીદારી કરીને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી. ગાવસ્કરે નોંધ્યું કે ટીમ જ્યારે પાછળ હોય ત્યારે તેને મેચમાં પાછી લાવવી અને સાથી ખેલાડીઓ માટે પણ એટલી જ ઉર્જાથી દોડવું, એ જ સાચા ખેલાડીની ઓળખ છે. વિરાટની આ રમત શૈલી આવનારા વર્ષોમાં પણ અકબંધ રહે તેવી પૂરી શક્યતા છે.