Tue Jan 27 2026

Logo

White Logo

ફિલ્મ થપ્પડથી લઈને મર્દાની-થ્રી સુધી બોલીવૂડની તસવીર બદલાઈ રહી છે...

5 days ago
Author: Darshana Visariya
Video

ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી દર્શકોને મનોરંજન પૂરું પાડવાની સાથે સાથે સમાજનું પ્રતિબિંબ પણ દેખાડવામાં મહત્ત્વનો રોલ પ્લે કરે છે. છેલ્લાં કેટલાક દાયકાઓની વાત કરીએ તો ફિલ્મોની સ્ટોરી ખાસ્સી એવી બદલાઈ છે. એમાં પણ ખાસ કરીને 2014 પછી બોલીવૂડમાં એક મોટું પરિવર્તન જોવા મળ્યું છે, જ્યાં ફિલ્મો માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત ન રહેતા મહિલા સશક્તિકરણનું માધ્યમ બની છે. રાની મુખર્જીની ફિલ્મ મર્દાની થ્રી રીલિઝ થઈ રહી છે ત્યારે ચાલો જાણીએ બોલીવૂડની એવી ફિલ્મો વિશે કે જેમાં હીરોઈનોએ હીરોની કમી દર્શકોને જરાય વર્તાવા નહોતી દીધી... 

બોલીવૂડની ફિલ્મોમાં હીરોઈન એ માત્ર એક સપોર્ટિંગ કે સાઈડ એક્ટ્રેસ પૂરતી મર્યાદિત નથી રહી. હવે ફિલ્મનો રિયલ હીરો બની ગઈ છે હીરોઈન્સ. વર્ષ 2014 બાદ રિલીઝ થયેલી અનેક ફિલ્મોએ એ સમાજને સંદેશ આપ્યો છે કે મહિલાઓ માત્ર પોતાના અધિકારો માટે જ નહીં, પણ દેશ અને સમાજમાં પરિવર્તન લાવવા માટે પણ સક્ષમ છે. ચાલો જોઈએ કઈ કઈ ફિલ્મો છે આ લિસ્ટમાં... 

થપ્પડ (2020): 

આ યાદીમાં સૌથી પહેલાં આવે છે ફિલ્મ થપ્પડ. 2020માં આવેલી અનુભવ સિંહાની આ ફિલ્મે ઘરેલુ હિંસા પ્રત્યેના સમાજના દૃષ્ટિકોણને હચમચાવી દીધો હતો. તાપસી પન્નુએ 'અમૃતા' ના પાત્રમાં બતાવ્યું કે હિંસા પછી તે થપ્પડ નાની હોય કે મોટી, તે સ્વીકાર્ય નથી. આ ફિલ્મ મહિલાઓને પોતાના હક માટે અવાજ ઉઠાવવાની પ્રેરણા આપે છે.

હિચકી (2018): 

રાની મુખર્જીએ 'ટોરેટ સિન્ડ્રોમ' થી પીડાતી એક શિક્ષિકાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ સાબિત કરે છે કે શારીરિક કે માનસિક પડકારો સ્ત્રીના સપનાઓને રોકી શકતા નથી. ધૈર્ય અને આત્મવિશ્વાસથી કોઈ પણ સ્ત્રી પોતાની મંઝિલ મેળવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં રાની મુખર્જી તેની આગામી ફિલ્મ મર્દાનીને કારણે ચર્ચામાં છે. 

ડિયર જિંદગી (2016): 

આલિયા ભટ્ટની આ ફિલ્મ માનસિક સ્વાસ્થ્ય (Mental Health) પર આધારિત હતી અને આ ફિલ્મ રીલિઝ થયા બાદ લોકોએ મેન્ટલ હેલ્થ વિશે ખુલીને વાત કરવાનું શરૂ કર્યું હતું. જીવનની ગૂંચવણો અને ડરનો સામનો કેવી રીતે કરવો અને પોતાની જાતને પ્રેમ કરવો કેટલો જરૂરી છે, તે આ ફિલ્મમાં ખૂબ સુંદર રીતે દર્શાવાયું છે.

મર્દાની (2014): 

ક્રાઈમ બ્રાન્ચના નિડર પોલીસ અધિકારી શિવાની શિવાજી રોય તરીકે રાની મુખર્જીએ મહિલા ઉત્પીડન અને માનવ તસ્કરી સામે લડત આપી હતી. આ ફિલ્મ પુરુષ પ્રધાન માનસિકતા સામે સજ્જડ પ્રહાર કરે છે. ફિલ્મ મર્દાનીની સિક્વલ મર્દાની-ટુ પણ આવી હતી અને હવે ફિલ્મ મર્દાની-થ્રી પણ રીલિઝ થવા માટે તૈયાર છે. 

ધ કેરલા સ્ટોરી (2023): 

સુદીપ્તો સેનની આ ફિલ્મે કટ્ટરપંથી સંગઠનોના જાળમાં ફસાયેલી યુવતીઓની સંઘર્ષગાથા પડદા પર રજૂ કરી હતી. અદા શર્માએ પીડા અને ભય વચ્ચે પણ પોતાની ઓળખ અને સ્વતંત્રતા જાળવી રાખવા જે લડત આપી, તે મહિલાઓની મજબૂત ઈચ્છાશક્તિ દર્શાવે છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ ચલાવ્યો હતો.

રાઝી (2018): 

બોલીવૂડની ચૂલબુલી એક્ટ્રેસ આલિયા ભટ્ટે પણ પોતાના કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી. પરંતુ આ બધામાં તેણે કરેલી ફિલ્મ રાઝીની વાત જ અલગ છે. 1971ના યુદ્ધમાં પાકિસ્તાન જઈ જાસૂસી કરનાર 'સેહમત'ની ભૂમિકા આલિયાએ આ ફિલ્મમાં ભજવી હતી. આ ફિલ્મ દર્શાવે છે કે જરૂર પડે ત્યારે એક સ્ત્રી પોતાની બુદ્ધિ અને સાહસથી દેશની રક્ષા માટે કોઈ પણ જોખમ ઉઠાવી શકે છે.