ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે. જેમાં આ નિર્ણય અનુસાર રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના જે લાભાર્થીઓ મુદ્દલ સંપૂર્ણ ભરવા સંમત છે પરંતુ માસિક બે ટકા દંડનીય વ્યાજ ભરી શકે તેમ નથી તેમને રાહત મળશે.
2 ટકાના દંડનીય વ્યાજ વસૂલાતમાંથી મુક્તિ
મુખ્યમંત્રી સમક્ષ આવા લાભાર્થીઓએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે એવા સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા છે કે આ આવાસ યોજનાના જે લાભાર્થીઓ 6 મહિનામાં તેમની બાકી રહેલી મૂદ્દલની સંપૂર્ણ રકમ ભરપાઈ કરે તેમને એક વખત વ્યાજ માફીની યોજના અન્વયે 2 ટકાના દંડનીય વ્યાજ વસૂલાતમાંથી મુક્તિ અપાશે.
154 કરોડ જેટલી દંડનીય માતબર રકમની રાહત મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી અંદાજે 9029 જેટલા ગ્રામીણ કુટુંબોને લાભ થશે અને તેઓને કુલ 154 કરોડ જેટલી દંડનીય માતબર રકમની રાહત મળશે. એટલું જ નહીં ગ્રામ્ય વિસ્તારના આ કુટુંબોને તેમના નામે મકાન માલિકીના હક્ક મળતા તેઓ સાચા અર્થમાં પોતીકા મકાન ધારક થઈ જશે.