ગાંધીનગરઃ ગુજરાત કેબિનેટની આજે બેઠક મળી હતી. જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસ માટે કરવામાં આવતા બાંધકામ કામોની ગુણવત્તા અંગે કોઇપણ પ્રકારની બાંધછોડ ન કરવા સબંધિત વિભાગોના વડાઓને કડક તાકીદ કરી હતી. આ ઉપરાંત રાજ્યની જનતાના હિતમાં વિકાસ કામો માટે ગ્રાન્ટના અભાવે કોઈ કામ અટકવું ન જોઈએ તે અંગે પણ તેમણે વિવિધ વિભાગોને સૂચના આપી હતી.
પ્રવક્તા પ્રધાન વાઘાણીએ કહ્યું હતું કે, મહેમદાબાદથી મહુધા માર્ગ રૂા. ૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. રાજ્યના નાગરિકોને સરળતા અને પરિવહન વ્યવસ્થા સુલભ કરાવવા માટે તૈયાર થયેલો આ માર્ગ એક વર્ષમાં ખરાબ થયો હોવાની ફરિયાદ સરકારને મળી હતી. આ બાબતને ગંભીરતાથી લઇ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા માર્ગ અને મકાન વિભાગના સચિવને આ માર્ગ તાત્કાલિક અસરથી વ્યવસ્થિત તૈયાર કરાવવા સૂચના આપીને સંબંધિતો સામે તપાસ પણ સોંપવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન દ્વારા અપાયેલ સૂચના અનુસાર તમામ બાંધકામો પર ગુણવત્તાને કેન્દ્વમાં રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. આમ છતાં કયાંક ક્ષતિ રહી જતી હોય તો જનતાના હિતમાં તાત્કાલિક અસરથી દુરસ્ત કરવા અને ગંભીર ક્ષતિના કિસ્સામાં કસૂરવા સામે કડક પગલા ભરવા સૂચના આપવામાં આવી છે.
પ્રવકતા પ્રધાને કહ્યું હતું કે, રાજ્ય સરકારને ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક વાર નાગરિકોને ગ્રાન્ટ ના હોવાનું કહીને કામો કરવામાં આવતા નથી. મુખ્ય પ્રધાને નાગરિકોની સંવેદનાને સમજીને આ બાબત પર કડકાઇથી તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરી છે કે ગ્રાન્ટના અભાવે કોઇ કામ અટકવું ન જોઇએ.
વધુમાં ગ્રાન્ટના અભાવે કોઇ કામ ન અટકે તેની કાળજી અગાઉથી સંબંધિત અધિકારીઓએ સ્વયં લેવી જોઈએ અને જો ગ્રાન્ટ પૂર્ણ થવા આવી હોય તો અગાઉથી જ યોગ્ય વ્યવસ્થા કરીને પહેલેથી તેની માંગણી કરી લેવી જરૂરી છે. નાગરિકોનું કામ વહિવટી બાબતોના કારણે કયાંય અટકવું ન જોઇએ. તે ઉપરાંત તમામ વિભાગોએ પોતાને ફાળવેલા બજેટ માર્ચ મહિનાના અંત સુધીમાં યોગ્ય રીતે વાપરવા પણ મુખ્ય પ્રધાન દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે તેમ, તેમણે ઉમેર્યું હતું.