નવી દિલ્હીઃ કેન્દ્રીય ગ્રાહક બાબતોનાં સચિવ નીધિ ખરે અને મ્યાનમારના નાયબ વાણિજ્ય પ્રધાન ઉ મિન્ન વચ્ચે ગત ગુરુવારે બન્ને દેશો વચ્ચેનાં દ્વીપક્ષીય વેપાર બાબતે ચર્ચા થઈ હતી.
યાંન્ગોન ખાતે યોજાયેલ સાઉથ એશિયા એગ્રી ફોરમની બેઠક દરમિયાન ખરેએ મિન્નને જણાવ્યું હતું કે ભારતમાં અડદ અને કઠોળના વિશ્વસનીય પુરવઠાકાર તરીકે મ્યાનમાર ખરું ઊતર્યું છે. અગાઉ કૃષિ ઉત્પાદનોમાં ખાસ કરીને કઠોળને કેન્દ્રમાં રાખીને વર્ષ 2021માં મ્યાનમાર સાથે પાંચ વર્ષ માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
કરાર અંતર્ગત ભારતે તેની આ કૉમૉડિટીની નીતિમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યો હોય તો પણ વર્ષે 2.50 લાખ ટન અડદ અને એક લાખ ટન તુવેરની આયાતની બાંયધરી આપી હતી. આ વ્યવસ્થાને કારણે બન્ને દેશોને લાભ થયો છે. જેમાં ભારતીય ગ્રાહકોની પોસાણક્ષમતા વધી હતી, જ્યારે મ્યાનમારના ખેડૂતોને નિશ્ચિત બજાર મળવાનો લાભ થયો હોવાનું ખરેએ જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે ભારત અને મ્યાનમાર વચ્ચેનો દ્વીપક્ષીય વેપાર જે વર્ષ 2020-21માં 1.29 અબજ ડૉલરનો હતો તે વર્ષ 2024-25માં વધીને 2.1 અબજ ડૉલરની સપાટીએ પહોંચ્યો હતો.