અમદાવાદ/નવી દિલ્હીઃ ગુજરાતમાં ફરી ઠંડીએ સ્પીડ પકડી છે. એક-બે દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ શુક્રવાર સાંજથી જ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કરણે તાપમાનનો પારો ગગડ્યો હતો. નલિયા અને ભુજમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જયારે અમદાવાદ અને અમરેલીમાં 14.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં 13.7 ડિગ્રી, રાજકોટમાં 15.3 ડિગ્રી, ડિસામાં 13.5 ડિગ્રી, પોરબંદરમાં 16.2 ડિગ્રી, ઓખામાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં 26 જાન્યુઆરી સુધી માવઠાનો માર પડી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના છે. કચ્છમાં પણ માવઠું પડી શકે છે. અંબાલાલના કહેવા મુજબ, હાલ પશ્ચિમી વિક્ષોભ આવ્યો છે. જેના કારણે ઉત્તર ભારતમાં હિમાલયના ભાગમાં હિમ તાંડવની સ્થિતિ સર્જાઈ શકે છે. તેની અસર રાજસ્થાન સુધી જોવા મળી શકે છે.
આ ઉપરાંત અંબાલાલ પટેલે કહ્યું, બંગાળ ઉપસાગરની સિસ્ટમને લીધે અને અરબ સાગરના ભેજ, આ બન્ને સિસ્ટમો મર્જ થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સાયક્લોનિક સર્ક્યુલેશન થતા તેમાં આ ભેજ ભળશે અને એન્ટિ સાયક્લોન ગુજરાતના ભાગોમાંથી દૂર હટી જતા ગુજરાતના હવામાનમાં પલટો આવશે. તારીખ 28 સુધીમાં ઉત્તર ભારતમાં પલટો અને 24-25થી 28માં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા સેવવામાં આવી છે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પલટો આવશે.
દેશભરમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગ મુજબ પહાડો પર બરફવર્ષા થઈ શકે છે. જ્યારે મેદાની વિસ્તારમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળશે. દિલ્લી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત મધ્ય ભારત સુધી શિયાળાનો નવો રાઉન્ડ જોવા મળશે તો કેટલાક રાજ્યોમાં વરસાદ પડશે.
દિલ્લીમાં આજે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ ઉપરાંત 10-20 કિમીની ઝડપે હવા ફેંકાઈ શકે છે. આગામી 24 લાકમાં તાપમાનમાં 4 ડિગ્રી સુદીનો ઘટાડો થઈ શકે છે. મહારાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તપામાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જે બાદ ત્રણ દિવસ પછી ફરી તાપમાન વધશે.
જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષાના કારણે સફેદ ચાદર છવાઈ ગઈ છે. આ ઉપરાંત જનજીવન પણ પ્રભાવિત થયું છે. લઘુત્તમ દબાણ સર્જાવાને કારણે પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થવાની પણ શક્યતા છે. આ સાથે જ કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે. બીજી તરફ, ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં આજે હવામાનમાં ઘણો સુધારો જોવા મળી શકે છે. એક અન્ય તીવ્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 26 થી 28 જાન્યુઆરી દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે. આના કારણે 27 જાન્યુઆરીએ પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ અથવા બરફવર્ષા થઈ શકે છે