રાયપુરઃ ન્યૂ ઝીલૅન્ડ (New Zealand) સામેની પાંચ મૅચવાળી ટી-20 સિરીઝમાં શુક્રવારે બીજો મુકાબલો (સાંજે 7.00 વાગ્યાથી) છે જેમાં આઇપીએલમાં કમાલ બતાવતા કેટલાક ખેલાડીઓની અગ્નિપરીક્ષા થશે. નાગપુરમાં ભારતે (India) બુધવારે 48 રનથી વિજય મેળવ્યો ત્યાર બાદ હવે રાયપુરના રણમેદાનમાં જંગ ખેલાશે. આ મૅચ જીતીને સૂર્યકુમારની ટીમ 2-0થી સરસાઈ લઈ શકશે.
બુધવારે અભિષેક શર્મા (84 રન) અને રિન્કુ સિંહે (અણનમ 44 રન) આતશબાજી કરીને ટીમ ઇન્ડિયાને વિજય અપાવ્યો ત્યાર બાદ હવે એ દિવસના બે નિષ્ફળ બૅટ્સમેન સંજુ સૅમસન (10 રન) અને ઇશાન કિશન (આઠ રન)ની કસોટી છે.
કિવી કૅપ્ટન તથા સ્પિનર મિચલ સૅન્ટનર અને ભારતીય મૂળના સ્પિનર ઇશ સોઢી માટે અભિષેક શર્મા માથાનો દુખાવો છે. બુધવારે અભિષેકે સૅન્ટનરના પાંચ બૉલમાં 15 રન અને સોઢીના 10 બૉલમાં 24 રન બનાવ્યા હતા.
બુધવારે વાઇસ-કૅપ્ટન અક્ષર પટેલને હાથની આંગળી પર કાપો પડી ગયો હતો અને બોલિંગમાં સ્પેલ પૂરો નહોતો કરી શક્યો. જો શુક્રવારે અક્ષર નહીં રમી શકે તો કદાચ તેના સ્થાને હર્ષિત રાણાને પ્લેઇંગ-ઇલેવનમાં સમાવાશે.