Tue Jan 27 2026

Logo

White Logo

ઝારખંડમાં મોટી ટ્રેન દુર્ઘટના: આસનસોલ એક્સપ્રેસે ટ્રક અને વાહનોને ઉડાવ્યા, જુઓ વાયરલ વીડિયો

5 days ago
Author: Mumbai Samchar Team
Video

રાંચીઃ ઝારખંડના જસીડીહ ખાતે રેલવે ક્રોસિંગમાં એક પેસેન્જર ટ્રેને અનેક વાહનોને ભીષણ ટક્કર મારતા મોટો અકસ્માત સર્જાયો હતો. રાહતની વાત એ હતી કે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. વાયરલ વીડિયોમાં જોવા મળ્યું છે કે રેલવે ક્રોસિંગમાં પેસેન્જર ટ્રેન પસાર થઈ ત્યારે ટ્રેને ટ્રક સહિત અન્ય વાહનોની જોરદાર ટક્કર મારી હતી. 

આસનસોલ એક્સપ્રેસ ટ્રેને વાહનોની જોરદાર ટક્કર મારી હતી. જોકે, ટક્કર એટલી ભીષણ હતી કે ટ્રેનના એન્જિનના આગળના ભાગને નુકસાન થયું હતું. આ અકસ્માતને કારણે ટ્રેનસેવા પર અસર પડી હતી. રેલવે ક્રોસિંગમાં થયેલા અકસ્માતને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. સિગ્નલ સિસ્ટમમાં ખામીને કારણે અકસ્માત થયો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

જસીડીહ અને મધુપુરની વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. રેલવે ક્રોસિંગમાં વધારે ટ્રાફિક હોવાથી ટ્રેનને સિગ્નલ આપવામાં આવ્યું નહોતું. એના પછી ટ્રેન ડાઉન લાઈન પર આવી ગઈ અને રેલવે ક્રોસિંગમાં રહેલા વાહનોને ટકરાઈ હતી. આ ટક્કરમાં બે બાઈકસવારને પણ ઈજા પહોંચી હતી, પરંતુ ટ્રેનની સ્પીડ મર્યાદિત હોવાથી જીવ બચી ગયા હતા. અકસ્માત પછી ટ્રેનસેવા પર ગંભીર અસર થઈ હતી, પરંતુ બચાવ કામગીરી હાથ ધરી હતી.

પશ્ચિમ બંગાળના આસનસોલ રેલવે ડિવિઝનના જસીડીહ-મધુપુર વચ્ચે રોહિણી-નાવાડીહ રેલવે ક્રોસિંગમાં આજે સવારના અકસ્માત સર્જાયો હતો. ગોંડા આસનસોલ એક્સપ્રેસ (13510) ટ્રેને ચોખાથી ભરેલી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એન્જિનને નુકસાન થયું હતું. સવારના 9.38 વાગ્યા પછી 11 વાગ્યાના સુમારે અપ લાઈન ચાલુ કરવામાં આવી હતી. 
મરમ્મત કામ પછી ઝાઝા પેસેન્જર ટ્રેનને પસાર કરવામાં આવી હતી., જ્યારે અકસ્માત અંગે સાક્ષીઓએ કહ્યું હતું કે ક્રોસિંગમાં સવારે વધારે ટ્રાફિક હતો ત્યારે ટ્રેને ટ્રકને ટક્કર મારી હતી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી પણ લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. રેલવેની બેદરકારીના ભોગ પ્રવાસીઓને બનવું પડે છે એમ જણાવીને ટીકા પણ કરી હતી.

આ અકસ્માત અંગે આસનસોલ ડિવિઝનના અધિકારીએ કહ્યું હતું કે અકસ્માત પછી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતગ્રસ્ત ટ્રેનને ક્રોસિંગમાંથી હટાવી હતી. આ અકસ્માતની તપાસ માટે ચાર સભ્યની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, જ્યારે દોષી લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અગાઉ નાવાડીહ રેલવે ક્રોસિંગમાં એક ટ્રક ટ્રેનની ચપેટમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.