વલસાડઃ જિલ્લાના એક ગામમાંથી 19 જાન્યુઆરીએ યુવતીના અપહરણનો મામલો સામે આવ્યો હતો. જે બાદ તણાવનો માહોલ હતો. ઘટનાને લઈ પરિવારજનો અને સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો હતો. આ મુદ્દે ધરમપુર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે અનેક ટીમો બનાવી હતી. જેમાં એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ પણ સામેલ હતી. આરોપીના પરિવારજનો, મિત્રો, સંબંધીઓ અને સોશિયલ મીડિયા ગતિવિધિની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત મોબાઈલ લોકેશનના આધારે આરોપીની તપાસ હાથ ધરવામાં આવી હતી.
અઠવાડિયા બાદ પોલીસે આરોપી યુવકની મુંબઈથી ધરપકડ કરી હતી અને તેને વલસાડ લાવવામાં આવ્યો હતો. પોલીસને યુવતી પણ મળી આવી હતી અને તેના પરિવારને સોંપી દેવામાં આવી હતી. જેનાથી પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગ્રામીણોએ આ મામલે યુવક સામે લવ જિહાદનો પણ આરોપ લગાવ્યો હતો.
વલસાડના એસપીએ જણાવ્યું કે, આ મામલે આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ અંતર્ગત કેસ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. મામલાને લઈ કેટલાક હિન્દુ સંગઠનો અને આદિવાસી નેતાઓએ ધરમપુર પોલીસ સ્ટેશન પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. સંગઠનના પદાધિકારીઓએ આ વિસ્તારમાં અગાઉ પણ આવા કેસ સામે આવ્યા હોવાથી પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી હતી.
ધવલ સાંસદ પટેલ અને ધારાસભ્યએ પણ પોલીસને આરોપીની તાત્કાલિક ધરપકડ અને યુવતીની સુરક્ષિત ઘરવાપસીની માંગ કરી હતી. સાંસદે આરોપીને કડક સજા કરવાની અપીલ કરીને આવી ઘટના પર કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.