કાનપુર : ઉત્તર પ્રદેશમાં કાનપુર પોલીસે સટ્ટાબાજી રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે રેડ કરીને રૂપિયા 2 કરોડ રોકડા અને 61 કિલો ચાંદી જપ્ત કરી છે.તેમજ ચાર આરોપીની ધરપકડ પણ કરી છે. ગુપ્ત માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધનકુટ્ટીના ગીચ વસ્તી ધરાવતા એક ઘરમાં દરોડો પાડ્યો હતો. જોકે, આ કાર્યવાહીમાં હવાલા અને ગેરકાયદે ચલણના વ્યવહારો સાથે સંકળાયેલા એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આ ઘટનાસ્થળેથી આશરે રૂપિયા 2 કરોડ રોકડા અને આશરે 61 કિલોગ્રામ ચાંદી મળી આવી હતી. આ ઉપરાંત પોલીસે નેપાળી ચલણ પણ જપ્ત કર્યું છે.
ચાર લોકોની ધરપકડ કરી
પોલીસે આ દરોડા દરમિયાન ચાર લોકોની ધરપકડ કરી છે. આ મકાન ગેરકાયદે પ્રવૃત્તિઓનું સ્થળ હતું. દરોડાની માહિતી મળતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું. આ દરોડો કાનપુર પોલીસના ગેરકાયદેસર સંપત્તિ એકત્ર કરવી, હવાલા કામગીરી અને કાળા નાણાંના નેટવર્કને તોડી પાડવાના અભિયાનનો એક ભાગ છે.
વધુ લોકો સામેલ હોવાની શક્યતા
પોલીસે વધુમાં જણાવ્યું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે આ એક મોટી ગેંગ છે. જેમાં વધુ લોકો સામેલ હોઈ શકે છે. અમે આરોપીઓની સતત પૂછપરછ કરી રહ્યા છીએ અને તેમના નેટવર્ક, સ્ત્રોતો અને અન્ય શંકાસ્પદ સ્થળોની તપાસ ચાલુ રાખી છે. જે પણ નવા તથ્યો બહાર આવશે તે સમયાંતરે જાહેર કરવામાં આવશે.
નેટવર્ક નેપાળ સુધી ફેલાયેલું
આ કાર્યવાહી કાનપુરમાં હવાલા અને ગેરકાયદેસર મની લોન્ડરિંગ પર પોલીસના કડક પગલાંને પ્રતિબિંબિત કરે છે. આવા રેકેટ માત્ર અર્થતંત્રને નુકસાન પહોંચાડતા નથી પરંતુ આતંકવાદ, દાણચોરી અને અન્ય ગુનાઓ માટે ભંડોળ પણ પૂરું પાડે છે. પોલીસ માને છે કે આ ગેંગ દેશની અંદર અને વિદેશમાં ગેરકાયદે મની લોન્ડરિંગ કરતી હતી. નેપાળી ચલણ જપ્ત કરવાથી સંકેત મળે છે કે આ નેટવર્ક નેપાળ સુધી ફેલાયેલું હોઇ શકે છે.