નવી દિલ્હી: ખાલિસ્તાની અલગાવવાદીઓ વિદેશની ધરતી પરથી ભારત વિરોધી કામગીરી કરી રહ્યા છે. કેનેડા, યુકે અને યુએસ બાદ ખાલિસ્તાની અલગાવવાદીઓએ ક્રોએશિયામાં ભારતીય દૂતાવાસમાં ઘુસીને તોડફોડ કરી હતી અને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. ભારત સરકારે આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
યુરોપિયન યુનિયનનના સભ્ય દેશ ક્રોએશિયાના ઝાગ્રેબ શહેરમાં આવેલા દૂતાવાસ પર ખાલિસ્તાની અલગાવવાદીઓએ હુમલો કર્યો હતો. ખાલિસ્તાની સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) ના વડા ગુરપતવંત સિંહપન્નુને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં જોવા મળે છે કે ઝાગ્રેબમાં આવેલા દૂતાવાસમાં એક ખાલિસ્તાની કાર્યકર્તા ભારતીય રાષ્ટ્રીય ધ્વજને ઉતારી રહ્યો છે અને તેની જગ્યાએ ખાલિસ્તાનનો પીળો ધ્વજ લગાવી રહ્યો છે.
નોંધનીય છે કે 27 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ભારત-EU સમિટના થોડા દિવસો પહેલા આ ઘટના બનાવી ખુબ ગંભીર છે.
ભારતે હુમલાને વખોડ્યો:
ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું, "અમે ક્રોએશિયાના ઝાગ્રેબમાં અમારા દૂતાવાસમાં ભારત વિરોધી તત્વો દ્વારા ઘૂસણખોરી અને તોડફોડની ઘટનાને વખોડી કાઢીએ છીએ. આવી હરકતોથી તેની પાછળ રહેલા લોકોના ઈરાદાઓ વિષે ખ્યાલ આવે છે. લો ઇન્ફોર્સમેન્ટ અધિકારીઓએ દરેક જગ્યાએ આવી ઘટનાઓની નોંધ લેવી જોઈએ."
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વિયેના કન્વેન્શન હેઠળ રાજદ્વારી પરિસનું રક્ષણ કરવું આવશ્યક છે. ભારતીય પક્ષે નવી દિલ્હી અને ઝાગ્રેબ બંનેમાં ક્રોએશિયન અધિકારીઓ સમક્ષ આ મામલે ચર્ચા કરી છે અને ગુનેગારોને તેમના ગેરકાયદે કૃત્યો માટે જવાબદાર ઠેરવવા જણાવ્યું છે.
પન્નુને ભારતને આપી ધમકી:
ગુરપતવંત સિંહ પન્નુને વીડિયોમાં ધમકી આપતા કહ્યું કે પ્રજાસત્તાક દિવસ પર નવી દિલ્હીને ટાર્ગેટ બનાવવામાં આવશે. વીડિયોમાં પન્નુ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો સાથેના બેકગ્રાઉન્ડ આગળ ઉભો રહીને બોલી રહ્યો છે.