મુંબઈ: બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) એ તિલક વર્મા અંગે મહત્વનું અપડેટ આપ્યું છે. BCCIએ આપેલી માહિતી મુજબ તિલક ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે, મેચ ફિટનેસ મેળવવા હજુ સમય લાગશે. તિલકને ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝની અંતિમ બે મેચમાંથી પણ બહાર કરવામાં આવ્યો છે, જયારે શ્રેયસ અંતિમ બે મેચ માટે સ્કવોડનો ભાગ રહેશે.
નોંધનીય છે કે ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝ અને ICC મેન્સ વર્લ્ડ કપ 2026 માટે જાહેર કરવામાં આવેલી ટીમમાં તિલક વર્માને સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તેને ઈજા થતા સર્જરી કરાવવી પડી હતી. ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ત્રણ T20I મેચ માટેની ટીમમાં તિલકની જગ્યાએ શ્રેયસ ઐયરને સ્થાન આપવામાં આવ્યું હતું. ત્રીજી મેચમાં તિલક વર્મા પરત ફરે એવી અપેક્ષા હતી, પરંતુ BCCIએ જણાવ્યું છે કે તિલક વર્મા ટીમની બહાર રહેશે.
એક પ્રેસ રિલીઝમાં BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું કે તિલક હાલ બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સમાં છે, જ્યાં તેણે ફિઝીકલ ટ્રેનીંગ શરૂ કરી છે. તેને સંપૂર્ણ મેચ ફિટનેસ મેળવવા માટે હજુ સમય લાગશે. ન્યુઝીલેન્ડ સામે ચાલુ પાંચ T20I મેચની સિરીઝની અંતિમ બે T20I મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં.
વર્લ્ડ કપ પહેલા તિલક ટીમમાં જોડાશે:
પ્રેસ રિલીઝમાં આપવામાં આવેલી જાણકારી મુજબ, "ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 પહેલા તિલક ૩ ફેબ્રુઆરીએ મુંબઈમાં ટીમ સાથે જોડાશે, અને વોર્મ-અપ મેચ રમશે. સિલેક્ટર્સ સમિતિએ ભલામણ કરી છે કે શ્રેયસ ઐયર ન્યુઝીલેન્ડ સામેની બાકીની મેચો માટે તિલક વર્માનું સ્થાન લેશે."
ભારતે ન્યુઝીલેન્ડ સામેની પાંચ T20 મેચની સિરીઝની પ્રથમ ત્રણ મેચ જીતીને સિરીઝ પર કબજો મેળવ્યો છે. શ્રેયસ ઐય્યર પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું ન હતું.