Tue Jan 27 2026

Logo

White Logo

જૂનાગઢમાં લોન વિવાદમાં CSનું અપહરણ, પોલીસની ચપડતાથી યુવાનનો જીવ બચ્યો

2 days ago
Author: Mumbai Samachar Team
Video

જૂનાગઢ: શહેરના હાર્દ સમાન જયશ્રી રોડ પરથી એક જાણીતા કંપની સેક્રેટરી (CS)નું અપહરણ થવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી દીધી છે. વ્યવસાયિક વિવાદો અને લોનની લેતીદેતીમાં થયેલા આ અપહરણના કારણે વેપારી આલમમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જોકે પોલીસની કાર્યવાહી અને આધુનિક સર્વેલન્સના કારણે અપહરણકારોના મનસૂબા નિષ્ફળ રહ્યા હતા અને યુવકનો હેમખેમ છુટકારો થયો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં રહેતા CS મિલન ચૌહાણ ઓફિસેથી ઘરે ન પહોંચતા પરિવારે શોધખોળ આદરી હતી. દરમિયાન મિલનભાઈના જ ફોન પરથી તેમના સાળા યશ મારૂને એક ફોન આવ્યો હતો, જેમાં મિલનભાઈએ ગભરાયેલા અવાજે જણાવ્યું હતું કે જય ઓડેદરા નામનો શખસ તેમને ઉપાડી ગયો છે. અપહરણકારોએ ફોન પર ધમકી આપી હતી કે જો બપોરે 11 વાગ્યા સુધીમાં 60 લાખ રૂપિયા નહીં મળે તો મિલનભાઈને જાનથી મારી નાખવામાં આવશે.

પરિવારે આ બાબતે તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધતા જૂનાગઢ બી-ડિવિઝન અને એલસીબી (LCB)ની ટીમો એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે અપહરણકારોનો પીછો કર્યો હતો. પોલીસની ગાડીઓ પોતાની પાછળ હોવાનું અને ઘેરો મજબૂત થતો જોઈ અપહરણકારો ફફડી ઉઠ્યા હતા. પોલીસના વધતા દબાણને કારણે તેઓ મિલનભાઈને જામનગર પાસે મુક્ત કરી અંધારામાં ફરાર થઈ ગયા હતા.

પ્રાથમિક તપાસ મુજબ, આ સમગ્ર મામલા પાછળ લોનનો કોઈ મોટો વિવાદ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. હાલમાં યશ મારૂની ફરિયાદના આધારે મુખ્ય આરોપી જય ઓડેદરા અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બી-ડિવિઝન પીઆઈ જે.જે. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમો હાલ ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરી રહી છે.