વડોદરા : દેશમાં સોનાના ભાવ દિવસેને દિવસે આસમાને પહોંચી રહ્યા છે તો બીજી તરફ ગઠિયાઓ સોની બજારમાં સક્રિય થયા છે. છેલ્લા કેટલાક સમયથી ઓછા વજનનું સોનું આપીને સોની વેપારીઓ સાથે લાખોની ઠગાઈ કરતી બિહારની બંટી-બબલી ગેંગ આખરે વડોદરાથી ઝડપાઈ હતી. જૂનાગઢ પોલીસે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. આ બંટી-બબલી વેપારી પાસેથી અસલી સોનાના દાગીના માંડીને તેમને સોનાનું વરખ ચડાવેલા પંચધાતુના દાગીના પધરાવી દેતું હતું. બંને આરોપી સામે 15 રાજ્યોના 56 શહેરોમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.
આ ગેંગની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી
જેમાં બિહારના રહેવાસી ધર્મેન્દ્ર શાહુ ઉ.48 અને કિરણદેવી સંજયભાઈ યાદવ ઉ.41 હોવાનું તપાસમાં ખુલાસો થયો હતો અને આ આખું કૌભાંડ બિહારના પટનામાં બેઠેલા રવિ સોની અને બનારસના એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતું હતું. ચાર દિવસ પહેલા જૂનાગઢ અને કેશોદના વેપારીઓએ આ અંગે એસપીને કરેલી રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ જૂનાગઢ શહેર અને જિલ્લામાં સોની વેપારીને ટાર્ગેટ કરતી આ ગેંગની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભોગ બનનારાઓની પૂછપરછ અને નિવેદનો લઈને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા હતા
જેમાંથી આરોપીઓના નંબર મળ્યા હતા અને પ્રથમ દુકાનમાં પ્રવેશ કર્યો હોય તે સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા હતા. ટેકનિકલ અને સર્વેલન્સ સોર્સના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે, આ બંને મહિલા અને પુરુષ વડોદરા તરફ જઈ રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમને વડોદરા તરફ રવાના કરી અને ત્યાંથી આ બંટી-બબલી મળી આવ્યા હતા. આરોપી ધર્મેન્દ્ર શાહુ અને કિરણદેવી સંજયભાઈ યાદવની ધરપકડ કરીને કેશોદ પોલીસને સોંપવામાં આવ્યા છે. આ બંને શખ્સોએ જૂનાગઢ, કેશોદ, જેતપુર સહિતના અનેક શહેરોમાં આવી રીતે ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે.
એલસીબી પોલીસે બંને વિરૂધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં બંનેએ અત્યાર સુધીમાં દેશના 15 રાજ્યના 56 શહેરોમાં 900 ગ્રામ (90 તોલા) જેટલું સોનું મેળવી વેપારીઓ સાથે ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે.