મુંબઈઃ મહારાષ્ટ્ર નગર પાલિકાની ચૂંટણી પૂરી થયા પછી રોજેરોજ અવનવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે, જેમાં હજુ સુધી મુંબઈમાં મેયરનું કોકડું ઉકેલાયું નથી. બીજી બાજુ મહારાષ્ટ્રમાં બીજી સૌથી મોટી પાલિકા કલ્યાણ-ડોંબિવલીમાં અલગ સમીકરણો રચાઈ રહ્યા છે, જે પૈકી કલ્યાણ ડોંબિવલીમાં રાજ ઠાકરે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ એકનાથ શિંદે (શિવસેના)ને સમર્થન આપીને ભાઈ ઉદ્ધવ ઠાકરે ઝટકો આપ્યો હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે.
ચૂંટણી પછી મનસેએ શિંદેને આપ્યું સમર્થન
મહારાષ્ટ્ર નગરપાલિકાના પરિણામો પછી ઠાકરેબંધુમાં તિરાડ પડવાના સૌથી મોટા સંકેતો જાણવા મળ્યા છે, કારણ કે કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકામાં રાજ ઠાકરેની પાર્ટી મનસેએ શિવસેના એકનાથ શિંદે જૂથને સમર્થન આપ્યું છે. એ પણ જાણી લો કે કેડીએમસી (કલ્યાણ ડોંબિવલી નગરપાલિકા)ની ચૂંટણીમાં ઠાકરે બંધુ સાથે રહીને ઈલેક્શન લડ્યા હતા, પરંતુ પરિણામો પછી મનસેએ શિંદે સેનાને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ સમર્થનને કારણે ફરી રાજકીય નિષ્ણાતોને ચોંકાવ્યા છે.
31 વોર્ડની કેડીએમસીમાં છે કુલ 122 નગરસેવક
કલ્યાણ ડોંબિવલીમાં કુલ 31 વોર્ડ છે, જ્યારે કુલ 122 નગરસેવક છે. અહીંની પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પચ્ચાસ, શિવસેના શિંદે જૂથના 53, શિવસેના યુબીટીના અગિયાર અને રાજ ઠાકરેની પાર્ટીના પાંચ, કોંગ્રેસના બે, એનસીપી શરદ પવાર જૂથના એક નગરસેવક જીત્યા હતા. બહુમતી માટે 62 સીટ જરુરી છે. ભાજપ-શિવસેના શિંદે જૂથ મળીને સીટ તો વધુ થાય છે, પરંતુ કલ્યાણ ડોંબિવલીમાં મનસેએ શિંદે સેનાને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
વિપક્ષના બદલે શિંદે સેનાને સાથ આપવાનું યોગ્ય માન્યું
મુંબઈ સહિત મહારાષ્ટ્રની તમામ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઠાકરેબંધુ સાથે રહીને ચૂંટણી લડ્યા હતા, પરંતુ એ પ્રયોગ પણ નિષ્ફળ રહ્યો હતો. મુંબઈ પાલિકાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે જૂથ અને મનસેને અપેક્ષા પ્રમાણે સફળતા મળી નહોતી. એના સિવાય કલ્યાણ-ડોંબિવલીમાં જાદુ ચાલ્યો નહોતો અને અંતે રાજ ઠાકરેની પાર્ટીએ મનસેએ ઉદ્ધવ ઠાકરે એટલે વિપક્ષના બદલે શિંદે સેનાને સાથ આપવાનું યોગ્ય માન્યું છે. કલ્યાણ-ડોંબિવલી મહાનગર પાલિકામાં શિવસેના-ભાજપ સાથે મળીને બહુમતી મેળવી લીધી છે. અહીં સૌથી મોટી પાર્ટી શિવસેના પાસે 53 છે, જ્યારે ભાજપના 50 છે. કુલ 122માંથી 103 નગરસેવક ફક્ત મહાયુતિના છે.