ગાંધીનગર: ગુજરાતમાં દિવસેને દિવસે વધતા માર્ગ અકસ્માતોને રોકવા માટે વાહન વ્યવહાર વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે વાહનમાં લગાવવામાં આવતી ફ્લેશ લાઈટ સાથે સંકળાયેલો છે. આજના સમયમાં ટુ-વ્હીલર અને લક્ઝરી કારોમાં ફેન્સી લાઈટો લગાવવાનો ક્રેઝ વધ્યો છે, જે અન્ય લોકો માટે જીવલેણ બની શકે છે. ફેન્સી લાઈટોના કારણે થતાં અકસ્માતો અટકાવવા માટે વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
'મોમેન્ટરી બ્લાઈન્ડનેસ'થી થાય છે અકસ્માત
તાજેતરના અકસ્માતોના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે સામેથી આવતા વાહનની તીવ્ર લાઈટને કારણે ચાલકની આંખો અંજાઈ જાય છે. આ સ્થિતિને 'મોમેન્ટરી બ્લાઈન્ડનેસ' કહેવાય છે, જેના કારણે ચાલક થોડી સેકન્ડો માટે કંઈ જોઈ શકતો નથી. પરિણામે ગંભીર અકસ્માત સર્જાય છે. હાઈવે પર રાત્રિના સમયે થતા મોટાભાગના અકસ્માતો પાછળ LED અને HID લાઇટોના કારણે સર્જાતી 'મોમેન્ટરી બ્લાઈન્ડનેસ'ની પરિસ્થિતિ જવાબદાર હોય છે. તેથી વાહન વ્યવહાર કમિશનરની કચેરીએ મહત્ત્વનો નિર્ણય લીધો છે.
ટ્રાફિક પોલીસ ચલાવશે સ્પેશિયલ ડ્રાઇવ
વાહનોમાં કંપની દ્વારા આપવામાં આવતી લાઈટોમાં ફેરફાર કરી, અત્યંત તેજસ્વી વ્હાઇટ LED અને HID લાઈટો લગાવનારા ચાલકો સામે હવે રાજ્યવ્યાપી કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી માટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરો સહિત હાઈવે પર સ્પેશિયલ ચેકિંગ હાથ ધરવામાં આવશે. ચેકિંગ દરમિયાન જો વાહનમાં અનઅધિકૃત કે નિર્ધારિત વોટથી વધુ પાવરની લાઈટો જણાશે, તો સ્થળ પર જ મેમો આપી દંડ વસૂલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દંડ વસૂલવાની સાથોસાથ ગેરકાયદે લગાવેલી લાઈટોને તાત્કાલિક ગાડીમાંથી દૂર પણ કરવામાં આવશે. વારંવાર નિયમો તોડનારા ચાલકોનું ડ્રાઈવિંગ લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવાની ભલામણ પણ થઈ શકે છે. આ નવા નિયમની અમલવારી કરવા માટે વાહન વ્યવહાર કમિશનરની કચેરીએ તમામ ARTO અને ટ્રાફિક પોલીસને સૂચનાઓ આપી છે.