Tue Jan 27 2026

Logo

White Logo

વસંત પંચમીના દિવસે માઘ મેળામાં ભક્તો ઉંમટ્યું ઘોડાપુર, મહાકુંભનો પણ તોડ્યો રેકોર્ડ

3 days ago
Author: Tejas Rajpara
Video

પ્રયાગરાજ : ત્રિવેણી સંગમ ખાતે ચાલી રહેલા માઘ મેળામાં વસંત પંચમીના પાવન અવસરે આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સંગમ તટ પર શ્રદ્ધા અને ભક્તિનો એવો સંગમ રચાયો કે અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતોએ પવિત્ર ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં ડૂબકી લગાવીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. વહીવટી તંત્રની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે આખું પ્રયાગરાજ 'હર હર ગંગે' અને 'જય શ્રી રામ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

પ્રયાગરાજ માઘ મેળાના ચોથા મુખ્ય સ્નાન પર્વ એટલે કે વસંત પંચમી પર શ્રદ્ધાળુઓની સંખ્યાએ ઈતિહાસ રચી દીધો છે. પ્રશાસનના દાવા મુજબ, મેળાના 24 ઘાટો પર કુલ 3.56 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું હતું. આ આંકડો વર્ષ 2025ના મહાકુંભમાં વસંત પંચમીના દિવસે નોંધાયેલા 2.57 કરોડના આંકડા કરતા પણ ઘણો વધારે છે. દેશના ખૂણેખૂણેથી આવેલા લોકોએ વહેલી સવારથી જ સંગમ નોઝ પર ધસારો કર્યો હતો અને ઠંડીની પરવા કર્યા વગર આસ્થાની ડૂબકી લગાવી હતી.

શ્રદ્ધાળુઓનો સૌથી વધુ ધસારો સંગમ નોઝ પર જોવા મળ્યો હતો. લોકોએ સ્નાન કર્યા બાદ નદી કિનારે બેસીને જ ઘરેથી લાવેલા લાડુ, ચુરા અને પૂરી-શાકનો આનંદ માણ્યો હતો. ભીડને નિયંત્રિત કરવા માટે મંડલાયુક્ત, ડીએમ અને મેળા અધિકારીઓ સહિતની આખી ટીમ સતત મેદાનમાં રહી હતી. સ્નાન અને પૂજન બાદ શ્રદ્ધાળુઓએ ગૌદાનના સંકલ્પો લીધા હતા, જ્યારે અક્ષયવટ અને લેટે હનુમાન મંદિરમાં દર્શન માટે કિલોમીટરો લાંબી લાઈનો જોવા મળી હતી.

આ સ્નાન પર્વમાં સનાતની કિન્નર અખાડાના સાધુઓનું આગમન શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જ્યારે અખાડાના સભ્યો શિબિરથી સ્નાન કરવા માટે નીકળ્યા ત્યારે રસ્તામાં શ્રદ્ધાળુઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન અખાડાના સભ્યોએ વિવિધ પ્રકારના કરતબો પણ બતાવ્યા હતા, જેનાથી વાતાવરણમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તિ અને કલાના આ સમન્વયે મેળાની રોનકમાં વધારો કર્યો હતો.

ભક્તિના મહાસાગર વચ્ચે શ્રદ્ધાળુઓને ટેકનિકલ સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. મેળા વિસ્તારમાં ઈન્ટરનેટ અને કોલિંગ માટે લોકો ભારે પરેશાન જોવા મળ્યા હતા. પ્રશાસન દ્વારા કામચલાઉ ટાવર ઉભા કરવામાં આવ્યા હોવા છતાં, કરોડોની મેદનીને કારણે નેટવર્ક જામ થઈ ગયું હતું. લોકો પોતાના પરિવારજનો સાથે સંપર્ક કરવા માટે ફાંફા મારતા નજરે પડ્યા હતા. તેમ છતાં, ભક્તોના ઉત્સાહમાં આ ટેકનિકલ ખામી ક્યાંય નડતરરૂપ બની નહોતી.