ચેન્નઈ: આ વર્ષે તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, વડાપ્રધાન મોદી પ્રચાર અભિયાનની શરૂઆત કરવા તમિલનાડુ પહોંચ્યા છે. એવામાં રાજ્યના મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિને વિધાનસભામાં ભાજપને પડકાર ફેંક્યો છે. સ્ટાલિને વિકસિત ભારત – ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) (VB-G RAM-G)નો વિરોધ કરતો ઠરાવ રજૂ કર્યો હતો.
આ ઠરાવમાં સ્ટાલિને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) ને ફરી લાગુ કરવાની હાકલ કરી. ઠરાવમાં ચેતવણી આપવામાં આવી કે VB-G RAM-G ગ્રામીણ આજીવિકાને નબળી બનાવી શકે છે. આ કાયદો બંધારણના સંઘીય સિદ્ધાંતોને નુકશાન પહોંચાડે છે, આ યોજના શરુ થતા રાજ્યો પર વધારાનો નાણાકીય બોજ પડશે. નવી સિસ્ટમથી પારદર્શિતામાં ઘટાડો થશે.
સ્ટાલિને કહ્યું કે "મનરેગા હેઠળ ગ્રામીણ લોકોના કામ કરવાના અધિકારનું રક્ષણ થવું જોઈએ.”
ઠરાવમાં કેન્દ્ર સરકારને રોજગારની માંગ અને રાજ્યના પ્રદર્શનના આધારે સતત ભંડોળ આપતા રહેવાની વિનંતી કરવામાં આવી છે. માંગ-આધારિત, રોજગાર-આધારિત ફાળવણી મોડેલને ફરી લાગુ કરવામાં આવે.
સ્ટાલિને મહાત્મા ગાંધીનું નામ દૂર કરવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી. તેમણે કહ્યું, "વિવિધ ઈરાદા સાથે રાષ્ટ્રપિતાનું નામ દૂર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રને આપેલા સિદ્ધાંતો અને બતાવેલા માર્ગની યાદમાં આ યોજના માટે મહાત્મા ગાંધી આપવું યોગ્ય છે."
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યા હતાં કે મનરેગા રદ કરવાથી "બંધુઆ મજૂરી"નો માર્ગ મોકળો થશે. સંસદના બજેટ સત્ર દરમિયાન આ મુદ્દે ઉગ્ર ચર્ચાઓ થવાની શક્યતા છે.